આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiyaએ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદર પેટા ચૂંટણીમાં મતદાન દરમિયાન ભાજપના ઉમેદવારે મતદાન કરીને મતદાન મથકમાં જ મિડીયા સમક્ષ ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ બતાવીને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી જે આદર્શ આચારસંહિતા મુજબ ગુનો છે. આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના જવાબમાં કિરીટ પટેલ દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન શારીરિક અને માનસિક થાકના લિધે મારાથી આ ભુલ થઇ ગઈ હતી. ભાજપ ઉમેદવારના આ પાંગળા જવાબ સાથે ચૂંટણી પંચે સહમતી દર્શાવીને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું જણાવવામાં આવ્યું છે. આ જે જવાબ છે તે માત્ર બહાનું છે અને એ બહાના સાથે જો ચૂંટણી પંચ સંમત થઈ જાય તો સવાલ ઊભા થાય છે કે શું હવે દરેક ઉલ્લંઘનને ‘થાક’ અને ‘ભૂલ’ના નામે માફ કરી દેવામાં આવશે? ત્યારે તો સમગ્ર ચૂંટણી પ્રણાલીની વિશ્વસનીયતા અને કાર્યપ્રણાલી પર મોટા સવાલ ઊભા થાય છે. આ મામલે હકારાત્મક કાર્યવાહી કરવાની અને ગંભીરતાથી નિર્ણય લેવા માંગ કરવાને બદલે, ચૂંટણી પંચે ભાજપના ઉમેદવારના પાંગળા બહાનાને સ્વીકારીને કોઇ પણ કાયદેસર કાર્યવાહી કર્યા વિના મામલો થાળે મૂકવાનો પ્રયાસ કર્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે હું Manoj Sorathiya કેટલાક મહત્વપૂર્ણ સવાલો સરકાર અને ચૂંટણી પંચ સમક્ષ મુકી રહ્યો છું કે, શું ચૂંટણી પંચે આવા ગુનાઓને ગંભીરતાથી લેવો ન જોઈએ? શું ચૂંટણી પંચને ભાજપનું દબાણ છે? શું ચૂંટણી પંચ આવી રીતે ચલાવી લેવાથી ચૂંટણીઓ સુચારુ રીતે આયોજીત થશે તેવું માને છે? શું ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલા નિયમો માત્ર શોભાના ગાંઠિયા છે? આમ આદમી પાર્ટી સ્પષ્ટ માંગ કરે છે કે વિસાવદર પેટા ચૂંટણીમાં જે ગેરરીતિ થઈ છે તેમાં ભાજપના ઉમેદવાર પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ચૂંટણી પંચે તમામ પક્ષો માટે સમાન ન્યાયની પ્રક્રિયા અમલમાં મૂકે. ચૂંટણી વ્યવસ્થાને દબાણમુક્ત અને લોકશાહી સિદ્ધાંતો મુજબ પારદર્શક બનાવવી જરૂરી છે અને તે માટે આમ આદમી પાર્ટી હંમેશા આંદોલન કરે છે અને આગળ પણ અન્યાય વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખશે.