Ahmedabad: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાપી અને સુરત વચ્ચેના તમામ નવ નદી પુલ તૈયાર છે. ખરેરા રિવર બ્રિજના બાંધકામની પૂર્ણાહુતિ સાથે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે ભારતના મહત્વાકાંક્ષી હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતમાં બાંધવામાં આવી રહેલા વીસ બ્રિજમાંથી બારમો છે. આ પુલ નવસારી જિલ્લાની ખરેરા નદી પર બનેલો છે. આ પુલનું નિર્માણ કાર્ય 29 ઓક્ટોબરે પૂર્ણ થયું હતું.
ખરેરા બ્રિજની વિશેષતા
ખરેરા નદીનો પુલ 120 મીટર લાંબો છે. આ પુલ 40 મીટરના ત્રણ ફુલ-સ્પાન ગર્ડર પર ટકેલો છે. તેના થાંભલા 14.5 મીટરથી 19 મીટર ઊંચા છે. જેમાં 4 મીટર વ્યાસનો એક ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસના ત્રણ થાંભલાનો સમાવેશ થાય છે. આ પુલ વાપી અને બીલીમોરા સ્ટેશન વચ્ચે આવેલ છે, વાપીથી અંદાજે 45 કિલોમીટર અને બીલીમોરાથી 6 કિલોમીટર દૂર છે. કોરિડોરમાંથી વહેતી નદીઓ પરના કેટલાક નવા ક્રોસિંગમાંથી આ એક છે.
વાપી-સુરત વિભાગ સાથે બાંધવામાં આવેલા નવ બ્રિજ ખરેરા, કોલક, પાર, ઔરંગાબાદ, પૂર્ણા, મીંધોલા, અંબિકા, કાવેરી અને વેંગનિયા નદીઓ પર બાંધવામાં આવ્યા છે, જેમાં વલસાડ અને નવસારી સહિતના કેટલાક જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વિભાગની બહાર નદીના અન્ય ત્રણ પુલ પણ પૂર્ણ થયા છે. જેમાં વડોદરા જિલ્લામાં ધાધર નદી પર, ખેડા જિલ્લામાં મોહર નદી પર અને ખેડા જિલ્લામાં વાત્રક નદી પર બનેલા પુલનો સમાવેશ થાય છે.
2 કલાકમાં 6 કલાકની મુસાફરી
આ સિદ્ધિ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિનો પુરાવો છે. 508 કિમી લાંબા કોરિડોરનો ઉદ્દેશ્ય 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દેશના બે સૌથી મોટા આર્થિક હબને જોડીને ભારતમાં હાઇ-સ્પીડ રેલ મુસાફરીમાં પરિવર્તન લાવવાનો છે. કોરિડોર પૂરો થયા બાદ મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર લગભગ બે કલાક જેટલું ઘટી જશે. જે હાલમાં પરંપરાગત રેલ દ્વારા છ કલાકની મુસાફરી છે.
1,08,000 કરોડનો ખર્ચ
જાપાનની ભાગીદારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશના માળખાકીય વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી ગુજરાત અને મહારાષ્ટ્રના પશ્ચિમી રાજ્યોમાં પ્રાદેશિક જોડાણ, આર્થિક વૃદ્ધિ અને રોજગારીને વેગ મળવાની અપેક્ષા છે. MAHSR એ સરકારનો એક સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ છે જે લોકો માટે સલામતી, ઝડપ અને સેવાના નવા યુગની શરૂઆત કરશે અને ભારતીય રેલ્વેને સ્કેલ, ઝડપ અને કાર્યક્ષમતામાં આંતરરાષ્ટ્રીય લીડર બનવામાં મદદ કરશે. MAHSR પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા ઉચ્ચ વિકાસ દર રાજ્યોમાંથી પસાર થાય છે. જે મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદના વેપાર કેન્દ્રોને જોડે છે. MAHSR પ્રોજેક્ટની મંજૂર કિંમત રૂ. 1,08,000 કરોડ છે.