Gujarat: રાજ્યભરમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે લોકો હાડ થિજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને કચ્છના નલિયા અને સૌરાષ્ટ્રનું રાજકોટ રાજ્યના સૌથી ઠંડા શહેર તરીકે સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર નલિયામાં તાપમાન 8 ડિગ્રી સુધી નીચે નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 9.5 ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ અમદાવાદમાં પણ ઠંડી વધતા તાપમાન 14 ડિગ્રી આસપાસ રહ્યું. ઉત્તર ભારતના હિમવર્ષાના કારણે ઠંડા પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે રાજ્યભરમાં શીત લહેર વ્યાપી ગઈ છે. વહેલી સવારના સમયે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળ્યું.

આ સિવાય સંતરામપુર, લુણાવાડા સહિતના તાલુકાઓમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઠંડી પવન સાથે ગાઢ ધુમ્મસ હોવાથી લોકો તીવ્ર ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીની સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.