Gujarat News: ગુજરાતના ‘કચ્છના રણ’ વિસ્તારમાંથી 5 દિવસ પહેલા ગુમ થયેલા એક વ્યક્તિની લાશ રણમાંથી મળી આવી છે. મૃતકની ઓળખ અર્નબ પાલ (55) તરીકે થઈ છે. જે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને તે એક ખાનગી પેઢીમાં સર્વેયર તરીકે કામ કરતો હતો. તે આ વિસ્તારમાં કામ અર્થે આવ્યો હતો અને અચાનક ગુમ થઈ ગયો હતો.પોલીસના જણાવ્યા અનુસાર તે છેલ્લીવાર 6 એપ્રિલે જીવતો જોવા મળ્યો હતો. આ કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, વ્યક્તિનો મૃતદેહ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામ પાસે મળ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડિયાએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અર્નબ પાલ અહીં રોડ સર્વેનું કામ કરવા માટે આવ્યો હતો અને તે દરમિયાન તે રણમાં રસ્તો ગુમાવી બેઠો હતો. જે બાદ પાણીના અભાવે ડીહાઈડ્રેશનને કારણે તેનું મૃત્યુ થયું હતું. બુબડિયાએ વધુમાં કહ્યું ‘આ વિશાળ રણમાં ખોવાઈ ગયા પછી, પાલ પાંચ દિવસમાં લગભગ 15 કિલોમીટર ચાલ્યો હશે. તબીબોનું કહેવું છે કે આ દરમિયાન શરીરમાં પાણીની અછતને કારણે તેનું મોત થયું હતું. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે અમે ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે ‘કચ્છનું રણ’ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત થાર રણમાં આવેલા સોલ્ટ માર્શનો એક વિશાળ વિસ્તાર છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાલ એક ખાનગી પેઢીમાં સર્વેયર હતો અને તે અહીં સોલાર પ્રોજેક્ટ માટે જમીનનો સર્વે કરવા આવ્યો હતો. તે 6 એપ્રિલે તેના સહાયક ચેલા રામ અને ડ્રાઈવર સાથે બેલા બોર્ડર આઉટપોસ્ટ (BoP) પર પહોંચ્યો હતો.

અધિકારીએ વધુમાં કહ્યું ‘બેલા BoP પહોંચ્યા પછી, ત્રણેય તેમના વાહનમાં વધુ રણમાં ગયા. જ્યારે આગળનો રસ્તો પૂરો થયો ત્યારે તેણે ચાલવાનું શરૂ કર્યું. થોડે દૂર ગયા પછી તેઓને ખૂબ જ તરસ લાગી. તેમની પાસે પાણી ન હોવાથી પાલ અને ચેલા રામે તેમની સાથે આવેલા ડ્રાઈવરને વાહનમાંથી પાણી લાવવા કહ્યું હતું.

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે ડ્રાઈવર પાણીની બોટલ લેવા પાછો ગયો ત્યારે પણ પાલ સર્વે ચાલુ રાખવા માંગતો હોવાથી બંને ચાલતા રહ્યા. થોડે દૂર ચાલ્યા બાદ ચેલારામ થાકી ગયો હતો અને તેણે આગળ જવાની ના પાડી હતી. આવી સ્થિતિમાં પાલે આગળ વધીને પોતાનું કામ પૂર્ણ કરવાનું નક્કી કર્યું.

થોડા સમય પછી જ્યારે તેનો ડ્રાઈવર પાણી લઈને પાછો ફર્યો ત્યારે ચેલારામે પાલને શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ક્યાંય દેખાયો ન હતો. પોલીસે કહ્યું ‘આ પછી ડ્રાઈવર અને ચેલારામ બેલા બોર્ડર ચોકી પર સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ કેમ્પ પહોંચ્યા અને પાલને શોધવામાં તેમની મદદ માંગી. જે બાદ પોલીસ અને બીએસએફની સંયુક્ત ટીમે તેમને શોધવાનું શરૂ કર્યું અને ડ્રોનનો ઉપયોગ કરીને તેમની શોધખોળ શરૂ કરી. જોકે તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ ગુરુવારે સાંજે સ્થાનિક પોલીસને તેનો મૃતદેહ મળ્યો.