Gopal Italia News: આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકા (SMC) ચૂંટણીના પ્રચાર અંતર્ગત વોર્ડ નંબર 4ના વિશાલનગર ખાતે હનુમાન મંદિર નજીક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં વોર્ડ નંબર 2ના ઉમેદવારો કિરણ મેઘાણી, તુલસી લાલૈયા, દયા પાનસુરીયા અને પરિમલ કાનાણી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.
ચૂંટણીમાં પરિવર્તનની લહેરનો દાવો
જનસભાને સંબોધતા Gopal Italiaએ જણાવ્યું કે વિસાવદરની તાજેતરની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં રાજકીય વંટોળ સર્જાયો છે અને લોકો હવે પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે સુરતમાં AAPએ 27 કોર્પોરેટરો જીતાડીને ઇતિહાસ રચ્યો હતો, જે પાર્ટીની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.
તેમણે દાવો કર્યો કે વરાછા, કતારગામ, પૂણા અને સરથાણા વિસ્તારોમાં AAPના કોર્પોરેટરોએ રોડ, શાળાઓ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે, જેના કારણે શહેરના અન્ય વિસ્તારોમાં પણ લોકોમાં વિશ્વાસ વધ્યો છે.
શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ મુદ્દે સરકારને ઘેર્યું
ઇટાલિયાએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે “દેશને વિશ્વગુરુ બનાવવાની વાતો થાય છે, પરંતુ સરકારી શાળાઓની હાલત નબળી છે, શિક્ષકોની અછત છે અને વિદ્યાર્થીઓને લોન લઇને ભણવું પડે છે.”
તેમણે વધુમાં કહ્યું કે સુરત મહાનગર પાલિકાનું હજારો કરોડનું બજેટ હોવા છતાં ગટર, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. શહેરમાંથી વેરો વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓ ગામડાં જેવી જ છે.
કાયદો-વ્યવસ્થા અને નશાના મુદ્દે ચિંતા
ગોપાલ ઇટાલિયાએ શહેરમાં વધતા નશાના પ્રસાર અને ડ્રગ્સની સરળ ઉપલબ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ અને તંત્ર યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
ભાજપ પર સીધી ટિપ્પણી
ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં હોવા છતાં શિક્ષણ, આરોગ્ય અને સ્પોર્ટ્સ જેવી સુવિધાઓ પૂરતી વિકસિત કરવામાં આવી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન લોકોમાં ડર અને ભ્રમ ફેલાવી મત મેળવવામાં આવે છે, જ્યારે વિકાસના મુદ્દાઓ પાછળ રહી જાય છે.
લોકોએ અંતરાત્માનો અવાજ સાંભળવાની અપીલ
સભાના અંતમાં ગોપાલ ઇટાલિયાએ નાગરિકોને અપીલ કરી કે તેઓ પોતાના અંતરાત્માના અવાજને સાંભળી મતદાન કરે અને એવા પ્રતિનિધિઓ પસંદ કરે, જે ખરેખર લોકો માટે કામ કરે અને સુરત તેમજ ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે.





