સુરત: બિહારના કોંગ્રેસના એક નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિધન પામેલા માતા વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકરોએ શનિવારે સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ ઘટનાના વિરોધમાં ભાજપ કાર્યકરોએ નાનપુરા સ્થિત કોંગ્રેસના કાર્યાલય સામે એકઠા થઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું અને નારેબાજી કરી.

ભાજપના કાર્યકરોએ આ ટિપ્પણીને ‘વિકૃત અને નીચ માનસિકતા’નું પ્રતીક ગણાવી અને તેની આકરી નિંદા કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા, જેના કારણે થોડીવાર માટે માહોલ તંગ બન્યો. જોકે, પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ લીધી અને કોઈ અપ્રિય ઘટના બની નહીં. ભાજપ કાર્યકરોએ નારેબાજી કરીને વિરોધ નોંદાવ્યો અને કોંગ્રેસ પાસે આ મામલે સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરી.

આ દરમિયાન ભાજપ કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય પર લાઠીઓથી હુમલો કર્યો, જેમાં કાર્યાલય પર લાગેલા બેનરો ફાડી નાખવામાં આવ્યા અને કોંગ્રેસના ઝંડાને તોડીને નીચે પાડી દેવાયા. મળતી માહિતી મુજબ, આ ઘટનાને લઈને કોંગ્રેસે ભાજપ કાર્યકરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.