Gopal Italia on BJP News: SIRની મીટીંગમાં ગેરહાજર રહેનાર શિક્ષક વિરુદ્ધ મામલતદારે વોરંટ કાઢતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Gopal Italiaએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, એક શિક્ષકનું મામલતદાર દ્વારા વોરંટ કાઢવામાં આવ્યું છે. આ વોરંટ એટલા માટે કાઢવામાં આવ્યું છે કારણ કે, હમણાં ગુજરાતમાં મતદાર યાદી સુધારણા SIR લોન્ચ કરવામાં આવ્યો છે. આખા ગુજરાતની મતદાર યાદીને સુધારવા માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં મતદાર યાદીનું, બુથ મેનેજમેન્ટનું અને ચૂંટણીનું મોટાભાગનું કામ શિક્ષકો સંભાળે છે. ગુજરાતની ક્રૂર અને સંવેદના વિહીન જે સરકાર છે એણે શિક્ષકની ગરિમા ઘટાડવામાં કશું જ બાકી રાખ્યું નથી. પહેલાના સમયમાં શિક્ષકો ગામના સૌથી વજનદાર અને મોભી ગણાતા હતા. ગામમાં કોઈ નાની-મોટી ઘટના બને તે લોકો શિક્ષકની સલાહ લેતા હતા. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ શિક્ષકને માન આપતા પરંતુ ભાજપની દ્રષ્ટિ અને હલકી માનસિકતા ધરાવતી ભાજપ સરકારે ખાલી શિક્ષણનો જ નહીં શિક્ષકોનું પણ નખ્ખોદ કાઢી નાખવામાં કઈ જ બાકી રાખ્યું નથી અને સમાજમાં શિક્ષકની ગરિમા ઘટાડવાની કોઈ કસર છોડી નથી. ગામમાં તીડ પકડવાના, ગામમાં શૌચાલય ગણવા જેવા કામ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે.
ધારાસભ્ય Gopal Italiaએ વધુ્માં જણાવ્યું હતું કે, આ શિક્ષક SIRની મિટિંગમાં હાજર હતા નહીં એટલા માટે તેમના વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું છે. તેમની ડીએલઓ તરીકેની ડ્યુટી હતી. શિક્ષક શા માટે ગેરહાજર છે તે જાણવા માટે BJP સરકાર પાસે 100 રસ્તા હતા. કારણ કે તેમની પાસે શિક્ષકની તમામ માહિતી છે તો સ્થાનિક વ્યવસ્થા સંભાળનાર માણસને તેમના ઘરે મોકલીને જાણી શક્યા હોત. શું તેમના ઘરમાં કોઈ બીમાર છે, પરિવારમાં કોઈ તકલીફ છે એ વ્યાજબી કારણ જાણવાની જરૂર હતી પરંતુ તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું. શિક્ષકોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે એ ધરપકડ વોરંટને આયોજનબદ્ધ રીતે આખા ગુજરાતના વ્હોટ્સપ ગ્રુપમાં નાખવામાં આવ્યું. શિક્ષકોને ડરાવવા ધમકાવવા માટે આ વોરંટ કાઢવામાં આવ્યું છે. એક શિક્ષક પાસેથી 100 કામ સરકારને લેવા છે પરંતુ શિક્ષકને કોઈ તકલીફ હોય, બદલીને લઈને કોઈ પ્રશ્ન હોય ત્યારે સરકાર સાંભળતી નથી. સરકાર પોતાનું કામ નહીં કરે ત્યારે તેમનું વોરંટ કોણ કાઢશે? સરકાર જ્યારે શિક્ષકોની ગરિમા ઘટાડવાનું કામ કરશે, શિક્ષકો પાસે ભીડ ભેગી કરાવવાનું કામ કરે છે, શિક્ષકો પાસે રાજકીય તાયફા કરાવવાનું કામ કરે છે, સમાજમાં શિક્ષકોનું સન્માન અને મહત્વ ઘટે એવા પ્રયત્નો ભાજપની સરકાર કરતી હોય ત્યારે ભાજપનું વોરંટ કોણ કાઢશે?
મતદાર સુધારણા યાદીનું કામ એ રાષ્ટ્ર સેવાનું દેશ સેવાનું કામ છે તે માત્ર બી.એલ.એ નહીં તમામ રાજકીય પક્ષોએ પણ જવાબદારી પૂર્વક કામ કરવાનું છે કારણ કે આખરે ચૂંટણી રાજકીય પક્ષોને લડવાની છે. તેમને નેતા બનવાનું છે જે પણ વિશેષાધિકાર મળશે તે રાજકીય નેતાઓને મળવાના છે તો રાજકીય પક્ષોની જવાબદારી શિક્ષકો કરતા હજાર ગણી મોટી હોવી જોઈએ. જે પાર્ટીની સરકાર બને છે તેના નેતાઓ જલસા કરે છે તો પછી શિક્ષકનું વોરંટ શા માટે કાઢવામાં આવ્યું છે? શિક્ષક સમાજમાં ભય ઉભો કરવાનું ભાજપે દુષ્કૃત્ય કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. હું ગુજરાતના તમામ શિક્ષકોને વિનંતી કરું છું કે આ મતદાર યાદી સુધારણાની અંદર ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન આપી જ્યાં પણ નકલી મતદારો છે એ બધાને કાઢી નાખજો પછી ભાજપ હારે નહીં તો મને કહેજો. ભાજપ ડમી, બોગસ, નકલી મતદારોના આધારે ચૂંટણી જીતે છે.





