Gopal Italia: આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા વીસેક દિવસથી આમ આદમી પાર્ટીના મહત્ત્વના ઉમેદવારો, પદાધિકારીઓ અને ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો ઉપર ગુજરાતમાં સરકાર જથ્થાબંધમાં ખોટી એફઆઈઆર નોંધાવી રહી છે. અંદાજે અત્યાર સુધીમાં તો 60 કરતાં પણ વધુ એફઆઈઆર વીસ દિવસમાં લખાઈ છે અને 150થી પણ વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ભાજપ પાર્ટી બિલકુલ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલી બધી ફફડી ગઈ છે, એટલી બધી હતપ્રભ થઈ ગઈ છે કે પોલીસને આગળ કરીને ચૂંટણી જીતવા નીકળી છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં એલસીબી, એસઓજી, એસપી, ડીવાયએસપી સહિતની તમામ પોલીસ ચોવીસ કલાક આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ ફર્યા કરે છે. ક્યાં શું ખાશો, શું પીશો, મોબાઈલમાં શું છે, લેપટોપમાં શું છે, કમ્પ્યુટરમાં કયો ડેટા છે, ઉમેદવાર કોણ છે, મોબાઈલ નંબર શું છે? આખા ગુજરાતની પોલીસ આમ આદમી પાર્ટી પાછળ લગાડી દેવામાં આવી છે. અને વાતો તો એવી મોટી કરે છે કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે એટલે જીતવાની છે, પરંતુ હારવાનો એટલો બધો ડર લાગ્યો છે કે આખી પોલીસ અમારી પાછળ લગાવી દીધી છે.
આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમા જણાવ્યુ હતુ કે અનેક ખોટી એફઆઈઆર અને અનેક લોકોની ખોટી ધરપકડ કરીને અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે તમારા રાજ્યમાં પોલીસ જનતાની સુરક્ષા છોડીને ગુંડાઓના ભરોસે જનતાને મૂકી અને આખી પોલીસ આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને મળવાનો સમય માગ્યો, પરંતુ ત્યાં તો આખી ભાજપ પાર્ટીએ વિરોધ શરૂ કરી દીધો છે. મારી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અને તમામ ભાજપના નેતાઓને વિનંતી છે કે એક વખત અરવિંદ કેજરીવાલને મળવાનો સમય આપો અને બેસીને ચર્ચા કરીએ કે તમને હારવાનો કેટલો ડર લાગ્યો છે.





