Pravin Ram: આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની “ઘેડ બચાવો પદયાત્રા” આજે ફલરામા અને ઓસા ગામમાંથી પસાર થઇને આવતીકાલે પાદરડી, ઇન્દ્રાગામ બાલારામ પહોંચશે. આ પદયાત્રા અટકાવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રવિણ રામ પર જીવનું જોખમ હોવા છતાં પણ ઘેડના ખેડૂતો માટે તેમણે આ પદયાત્રા ચાલુ રાખી છે. પ્રવિણ રામની સુરક્ષા માટે આમ આદમી પાર્ટીએ પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. આમ આદમી પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ, કાર્યકર્તાઓ તેમની ખભેથી ખભો મિલાવીને ઉભા રહ્યા છે આ જ મજબુત મનોબળ અને ઘેડમાં આવેલા ખેડૂતોના ઘોડાપુરને કારણે પ્રવિણ રામ મક્કમપણે આ પદયાત્રામાં આગળ વધી રહ્યા છે. આવતીકાલે આ યાત્રામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ જોડાવાના છે અને આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પણ જોડાવાના છે. 5 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં પંચાળા, આખોદર, પાડોદરા, ઇસરા, ટીટોડી, ખમીદાણા, ખીરસરા, સુત્રેજ, સાઢા, થલી, વિરોલ, ખરેડા ફાટક, કારેજ, સાખવા, વાડલા, બામણવાડા ઝરીયાવાડા, શીલ, સાંગાવાડા, દીવાસા, આત્રોલી, આજખ, મેખડી, સામરડા, શર્મા, ઘોડાદર, બગસરા,હટરપૂર અને ભાથરોટ ગામમાંથી પસાર થઈ ચુકી છે.

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ ગ્રામજનોને સંબોધતા કહ્યું હતું કે, તમારો ઉત્સાહ, ઉમંગ અને ઉમળકો જોઈને મને એવું લાગી રહ્યું હતું જાણે કે હું મારા ગામમાં આવ્યો હોઉ. મેં પંચાળા ગામથી આ યાત્રા શરૂઆત કરેલી. અખોદર ગામમાં મેં કહ્યું હતું કે, હું ઘેડના મુદ્દે ઘેડના ખેડૂતોનું ઘોડાપૂર લાવીશ અને આજે એ સાબિત થઈ ગયું છે. આજે ઘેડમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ, ખેડૂતો, વડીલોથી લઇને નાના બાળકો પણ આ પદયાત્રામાં જોડાયા છે. આ યાત્રા શરૂ કરતાં પહેલાં હું બામણાસા આવ્યો હતો. બામણાસામાં પુરને કારણે મકાનો પડી ગયા, માટી ધોવાઈ ગઈ, ઘણું બધું નુકસાન થયું ત્યારે મેં આસપાસના ગામડાઓની પણ મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે અહીંયા પાણી ભરાઈ જવાના કારણે અનેક સમસ્યાઓ થાય છે. ત્યારે મને વિચાર આવ્યો કે દેશ આઝાદ થયાના આટલા વર્ષો પછી પણ આવી જ પરિસ્થિતિ છે. ઘરે ગયા પછી મારા મનમાં તમારી વેદના અને પીડા જ ફરતી હતી. જ્યારે તમને કોઈ દુઃખ, દર્દ, પીડા થાય, તમને કંઈક ખોટું થઈ રહ્યાનો અહેસાસ થાય, તમને લોકો માટે કંઈક કરવાનું વિચાર આવે ત્યારે જ તમે કડક પગલું ભરો છો અને મેં પણ એ જ કર્યું. હંમેશા સારા કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની સ્થાપના થાય છે એટલે ગણેશ ચતુર્થીના દિવસે મને પણ વિચાર આવ્યો કે ગિરનાર ખેડૂતો માટે હું લડ્યો હવે મારે ઘેડના ખેડૂતો માટે લડવું છે એટલે એ જ દિવસે મેં કંઇ પણ વિચાર્યા વગર આ પદયાત્રાની જાહેરાત કરી દીધી.

બગસરા ખાતે ગઈકાલે સભામાં થયેલી બબાલ બાદ ખેડૂતોનું સમર્થન વધુ મજબૂત બની રહ્યું છે. વિશાળ સંખ્યામાં ખેડૂતો મારી પદયાત્રામાં જોડાયા છે, જેના માટે હું તમામ ખેડૂતોનો આભાર માનું છું. છેલ્લા ચાર દિવસથી ભાજપવાળા સતત મારી પદયાત્રા રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હજી પણ ભાજપવાળા મારા પર હુમલો કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ હું ખેડૂતોના હક્ક માટે મોરે મોરો આપવા તૈયાર છું. સી.આર. પાટીલ કે ભાજપના ગુજરાતના જે નેતાઓને આ પદયાત્રા રોકવા આવવું હોય, તેઓ ખુદ આવી જાય. હું સ્પષ્ટ કહી દઉં છું કે આ લડત ખેડૂતોની છે અને હું ખેડૂતો માટે અંત સુધી લડવા તૈયાર છું.

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ ગામડામાં તૂટેલા રોડ રસ્તા મુદ્દે પણ ગ્રામજનોની પીડા વ્યક્ત કરી હતી. પ્રવીણ રામે કહ્યું હતું કે, આ યાત્રા દરમિયાન જ્યારે હું મીતિથી ભાથરોટ જઈ રહ્યો હતો ત્યારે મેં તૂટેલા રસ્તાઓ જોયા. અહીંના સ્થાનિકો સાથે વાતચીત કરતા મને જાણવા મળ્યું કે, આ રસ્તો ચાર મહિના પહેલા જ બન્યો છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું નથી. હું અનેક વાર કહું છું કે ભાજપને અને ડામરને મેળ નથી. ભાજપવાળા ડામર જોવે છે એટલે ખાઈ જાય છે. જનતા હેલ્મેટ વગર નીકળે છે તો તેમને દંડ ફટકારવામાં આવે છે તો શું આ રોડ મુદ્દે કોન્ટ્રાક્ટર અને દંડ નહીં ફટકારો. પ્રવિણ રામે આ તૂટેલા રોડ મુદ્દે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ગુજરાતની જનતાએ આ વાસ્તવિક સ્થિતિને જાણવા સમજવાની જરૂર છે ચાર મહિનાની અંદર જ જો આ પરિસ્થિતિ હોય તો બધું લૂંટાઈ જશે એટલે ગુજરાતના લોકોએ હવે આત્મા જગાડવાની જરૂર છે.