BJP: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને એલિસબ્રિજ વિધાનસભામાં આજે ભાજપને મોટો ફટકો પડ્યો હતો કારણ કે એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના યુવા આગેવાન અનિલ દાફડા તેમના 100થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા અને શિક્ષણ સેલ પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ભાજપના નેતા અનિલ દાફડા અને 100થી વધુ ભાજપના કાર્યકરો ભાજપના નેતાઓથી ત્રસ્ત થઈને તથા અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપની ભવાઈથી ત્રસ્ત થઈને અને ભાજપના નેતાઓના ખરાબ વ્યવહારથી ત્રસ્ત થઈને એલિસબ્રિજ વિધાનસભાના યુવા નેતા અનિલ દાફડા ભાજપમાંથી રાજીનામું આપીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અનિલ દાફડા ભાજપની ગુલામીમાંથી પોતાનો પીછો છોડાવીને આજે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે તો તેમનું અને તેમની સાથે આવેલા 100થી વધારે કાર્યકર્તાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. અનિલ દાફડાએ ભાજપમાં રહીને લોકોના કામ કરવા માટે અવારનવાર પોતાના નેતાઓને આગ્રહ કર્યો પરંતુ ભાજપના નેતાઓ જનતાની સાથે સાથે તેમના કાર્યકર્તાઓનો અવાજ પણ સાંભળવા માટે તૈયાર ન હતા. એમણે અમને જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ એકબીજાને માન સન્માન આપવાનું પણ સમજતા નથી અને અવારનવાર કાર્યકર્તાઓનું અપમાન કરે છે અને ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરનારા પોતાના મળતીયાઓને જ સાચવે છે. જેનાથી ત્રસ્ત થઈને તેઓએ ભાજપ છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો. સાથે સાથે તેઓ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ અને દિલ્હી તથા પંજાબમાં તેમના દ્વારા કરવામાં આવેલા કામથી પણ ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેના કારણે આજે તેઓ પોતાના 100થી વધુ સમર્થકો અને સાથી મિત્રો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.





