Gauri Desai AAP: આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ Gauri Desaiએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર જણાવ્યું હતું કે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી બતાવ્યું છે કે તે મહિલા વિરોધી પાર્ટી છે. આપ સૌએ વાંચ્યું હશે કે ન્યૂઝ પેપરમાં લખ્યું છે કે વર્ષ 2024-25માં “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી. અન્ય રાજ્યોમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલાઓને મહિલા સન્માન રાશિની સહાય કરે છે. પરંતુ જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે મહિલાઓ વિશે કંઈ જ વિચારવામાં આવતું નથી. આજે આ વાત સાબિત થાય છે કારણ કે આ આંકડા કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યા છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં “બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત એક રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી. આ યોજના હવે ફક્ત કાગળ પર રહી ગઈ છે.
AAP મહિલા નેતા ગૌરી દેસાઇએ વધુમાં કહ્યું હતું કે આજે ગુજરાતની તમામ બહેનોને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી મહિલા વિરોધી પાર્ટી છે, તેની સાબિતી એ છે કે તેમણે ગુજરાતી મહિલાઓ માટે ક્યારેય વિચાર્યું નથી. નથી મહિલાઓને આત્મનિર્ભર કરવાનું વિચાર્યું, કે નથી “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના વિશે વિચાર્યું. વર્ષ 2020-21માં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા ઓછી હતી, જેથી “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનની શરૂઆત થઈ. આજે વર્ષ 2024-25માં કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. હું ગુજરાતની માતા બહેનોને કહેવા માગું છું કે વર્ષ 2022ની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે જ્યારે મહિલા સન્માન રાશીની વાત કરી હતી ત્યારે તેને સ્વીકારવાની જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીએ રેવડી કીધી હતી. અને આ જ ભારતીય જનતા પાર્ટી જ્યારે બીજા રાજ્યમાં ચૂંટણી આવે છે ત્યારે ખોબેને ખોબે આ રેવડી વેંચે છે, તે સારી બાબત છે. પરંતુ જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે મહિલાઓને આનાથી વંચિત રાખવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની માતા-બહેનોને યોગ્ય સમજતી નથી. હું ગુજરાતની માતા-બહેનોને અપીલ કરૂ છું કે જેમ ભારતીય જનતા પાર્ટી અવગણના કરે છે. તેવી જ રીતે માતા-બહેનોએ પણ ભારતીય જનતા પાર્ટીની અવગણના કરવી પડશે.





