Dr. Jewel Vasra AAP: આમ આદમી પાર્ટી દ્વારા સાણંદના લોદરીયાલ ખાતે ગુજરાત જોડો જનસભા અંતર્ગત વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના મધ્યઝોન અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, જિગીષા પટેલ તેમજ કુલદીપસિંહ વાઘેલા, હરજી પટેલ, કરશન પટેલ, યોગેશ ઠાકોર સહિત અનેક AAP આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા સદસ્ય પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપ અને કોંગ્રેસમાંથી વર્ષો જૂના ઈમાનદાર અને પ્રજા માટે કામ કરવાવાળા કાર્યકર્તાઓ પોતાની પાર્ટીઓથી નિરાશ થઈ, કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીમાં જોડાવાનું પસંદ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂત રીતે આગળ વધી રહી છે. આ તકે રાજ્યમાં ચાલી રહેલ ભ્રષ્ટ્રાચાર, મહિલાની સુરક્ષા, ખેડૂતો સાથે થઇ રહેલા અત્યાચાર, સહિત અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કામની રાજનિતી કરતી આમ આદમી પાર્ટી સતત લોકોના પ્રશ્નોને વાચા આપતી રહે છે, ત્યારે આ ગુજરાત જોડો જનસભામાં AAP નેતા ડો.જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનાં 30 વર્ષનાં શાસનમાં જનતા હવે ત્રાહિમામ પોકારી ચૂકી છે. રાજ્યમાં ચારેકોર દારૂ, ડ્રગ્સ, ગુન્હાખોરી સતત વધતી જાય છે. ગામડાઓમાં ખેડૂતો સાથે અન્યાય અને અત્યારચાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી આગળ આવે છે અને ખેડૂતોનો સહારો બને છે. ત્યારે આમ આદમી પાર્ટીનાં નેતાઓને ખોટી ફરિયાદો કરીને જેલમાં ધકેલવામાં આવે છે. પરંતુ બુટલેગરો અને માફિયાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ભાજપનાં ભ્રષ્ટ શાસનથી હવે લોકો થાકી ગયા છે. અત્યાર સુધી જનતા પાસે કોઇ વિકલ્પ હતો નહીં પરંતુ હવે ગુજરાતની જનતા આ પીડામાંથી મુક્ત થવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહી છે. મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળીને લડીશું અને જીતીશું તેવો મને વિશ્વાસ છે.





