Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય “પરિવર્તન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પ્રકાશ દોંગા, લોકસભા પ્રભારી રઘુભાઈ આંબલીયા, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મહિલાઓ, યુવાનો સહિતના લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં જનતાએ ઉપસ્થિત રહી પરિવર્તન સભાને સફળ બનાવી હતી.
પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં આજે મહાનગરપાલિકાનું હજારો કરોડોનું બજેટ છે પરંતુ એ બજેટ ભાજપના લાભાર્થીઓના ઘરમાં જાય છે. આટલા વર્ષોના શાસન બાદ પણ લોકોને શુદ્ધ પાણી ન મળતું હોય, સારા રોડ રસ્તા ન મળતા હોય, સારી ગટર વ્યવસ્થા ન હોય તો પછી સવાલ થાય છે કે આપણે ભાજપના લોકોને શા માટે સત્તામાં બેસાડ્યા છે? મારો સવાલ છે કે જામનગરમાં કેટલી અંગ્રેજી મીડીયમની સરકારી શાળાઓ બની? ભાજપના નેતાઓ પ્રાઇવેટ શાળાઓ ખોલતા જાય છે અને સરકારી શાળાઓ બંધ કરતા જાય છે. આજે હોસ્પિટલમાં ગરીબ સામાન્ય પરિવારના લોકોને સારી સારવાર પણ નથી મળતી. શું આવી વ્યવસ્થા માટે આપણને આઝાદી મળી હતી? આ દેશ હવે ઉદ્યોગપતિઓના હાથમાં વેચાવા જઈ રહ્યો છે. ડેવલોપમેન્ટના નામે કબજાઓ કરવામાં આવે છે, આજે એ લોકો કબજા કરશે, કાલે તમારા ઘરને ગેરકાયદેસર કહીને તમારા બંગલા પડાવશે. ભાજપના નેતાઓને કાર્યકર્તાઓને કહેવા માંગીશ કે તમારા મહેનતથી અને તમારા પ્રચારથી ભાજપ સત્તામાં આવશે તો ભાજપના ભ્રષ્ટાચારથી ઉદ્યોગપતિઓ માલિક બની જશે પછી તમે પણ રડશો પરંતુ એ સમયે તમારી પાસે પસ્તાવા સિવાય કોઈ ઉપાય નહીં હોય. તો હું એમને કહીશ કે મહેરબાની કરીને ભાજપનો પ્રચાર હવે ન કરતા. ખેડૂતો વેપારીઓ સહિત તમામ લોકોના પ્રશ્નો ખૂબ જ હોય છે પરંતુ અલગ અલગ જાતિ જ્ઞાતિના આગેવાનો એ પ્રશ્નોનું સમાધાન લાવવાની જગ્યાએ એ લોકોના વોટ ભાજપમાં નખાવી દે છે. પરંતુ હવે જો આપણે આવનારી પેઢીને બચાવવી હોય તો જાગૃત થવું પડશે અને આવા તમામ લોકોને ઓળખવા પડશે. વિસાવદરની જનતાનો હું આભાર માનીશ કે જ્યાં એક એક ગામમાં ભાજપના નેતાઓ, મિનિસ્ટરો સહિત સ્ટાર પ્રચારકો ફરતા હતા પરંતુ વિસાવદરના લોકોએ કોઈની વાતોમાં આવ્યા વગર ગોપાલભાઈને વોટ આપ્યા અને આજે ગોપાલભાઈની આગેવાનીમાં વિસાવદરમાં જબરદસ્ત કામો થઈ રહ્યા છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિશાળ જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજની સરકારમાં જનતાને ગમે તેવું કામ કરવાની કોઈ સિસ્ટમ રહી નથી. સરકાર માત્ર ઉપર બેઠેલા નેતાઓને ગમે તે મુજબ જ કામ કરે છે. આપણે સૌએ હૃદય પર હાથ રાખીને વિચારવું જોઈએ કે ખરેખર જનતાને ગમે તેવું કામ કરનાર કોણ છે? જો જનતાને પોતાની પસંદ મુજબનું શાસન જોઈએ હોય તો એક વખત આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપો તેવી મારી અપીલ છે. ઘણી વખત એવું લાગે છે કે દેશમાં લોકશાહી છે કે પછી અંગ્રેજોની સરકાર આવી ગઈ છે ? વર્ષો સુધી લોકો તૂટેલા રસ્તાઓ અંગે ફરિયાદ કરતા રહે છે છતાં કોઈ કામ થતું નથી, પરંતુ જ્યારે દિલ્હીથી શહેનશાહ આવે છે ત્યારે તાત્કાલિક રોડ બની જાય છે, ડિવાઇડર ઉભા થઈ જાય છે અને ફુવારા પણ લગાવી દેવામાં આવે છે. ગાંધીનગર કે દિલ્હીથી મોટા નેતાઓના આગમન સમયે આખું તંત્ર ખડે પગે ઊભું રહી જાય છે, પરંતુ સામાન્ય જનતાની વાત સાંભળનારું કોઈ નથી. આજે સરકારમાં કોઈ સાંભળનારું નથી અને કોઈ કહેનારું નથી. લોલમલોલ સરકાર ચાલી રહી છે. વડોદરાના એક નહીં પરંતુ પાંચ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે અધિકારીઓ તેમની વાત માનતા નથી. જ્યારે ભાજપના ધારાસભ્યોની પણ આવી હાલત છે, ત્યારે ગામડાના નાના અને સામાન્ય માણસની દશા શું હશે ? ભાજપ અને કોંગ્રેસના સહિયારા પાપોના કારણે મારે કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવવું પડ્યું. જનતા ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધી સરકાર બનાવે છે, મત આપે છે, ટેક્સ આપે છે અને સત્તા ચલાવવા માટે વિશાળ શક્તિ આપે છે, પરંતુ બદલામાં જનતાની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. આજની તારીખે ગુજરાતની સૌથી મોટી સમસ્યા એ છે કે જનતાની વાત સાંભળવા માટે કોઈ નેતૃત્વ તૈયાર નથી. ગોપાલ ઇટાલિયાએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપવા માટે જનતાને અપીલ કરી હતી.
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષથી નાના અને સામાન્ય માણસોની તકલીફો સતત વધતી જ રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી અરવિંદ હોસ્પિટલમાં આજે પણ પૂરતા ડોક્ટરોની અછત છે, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જામનગર મહાનગરપાલિકા હોવા છતાં શહેરમાં સારા અને સુવ્યવસ્થિત રસ્તાઓનો અભાવ છે. તાજેતરમાં જામનગરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ લોકોમાં એવી ચર્ચા છે કે આ બ્રિજ સામાન્ય જનતા માટે નહીં પરંતુ અદાણીના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. સામાન્ય લોકો આમ આદમી પાર્ટીને આશાની નજરે જોઈ રહ્યા છે. આવનારા સમયમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરશે અને વર્ષ 2027માં સત્તા પરિવર્તન થશે. નાનામાં નાના માણસની તકલીફોને સમજીને, પાર્ટીને વધુ મજબૂત બનાવવાની અને સૌ સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ માટે તેમણે તમામ કાર્યકરો અને સમર્થકોને એકતાપૂર્વક કાર્ય કરવાની અપીલ કરી હતી.





