AAP News: અગાઉ આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જે ગુજરાત જોડો મહાસભાઓનું એલાન કર્યું હતું તે તમામ સભાઓ હવે આજરોજ 1 ઓગસ્ટના રોજથી શરૂ થઇ. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી(AAP) સમગ્ર ગુજરાતમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને બે મહિના સુધી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓથી લઈને સ્થાનિક નેતાઓ અને વોર્ડ પ્રમુખો સભાઓનું આયોજન કરશે. આજે 1 ઓગસ્ટના રોજ અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, દાહોદ, પાટણ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભરૂચ, નવસારી અને વલસાડમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું. આ તમામ સભાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીના સભ્ય પણ બન્યા છે. આવતીકાલે 2 ઓગષ્ટના રોજ અમદાવાદ, સુરત, સાણંદ, ખેડા, આણંદ, હાલોલ, દાહોદ, પાટણ, હિંમતનગર, પ્રાંતિજ, જામનગર, રાજકોટ, અમરેલી, કોડીનાર, ઉના, ભરૂચ, અંકલેશ્વર, નવસારી અને વલસાડના અલગ અલગ વિસ્તારોમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.

દ્વારકા જિલ્લાના ભોગાત ગામે આયોજિત જનસભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, હું એક સવાલ પૂછવા માગું છું કે ગુજરાતના ખેડૂતો દુઃખી કેમ છે? અને એક જ સ્પષ્ટ જવાબ છે કે ગુજરાતના 54 લાખ ખેડૂતો એકજુટ નથી, તેઓ જાતિ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયમાં વહેંચાયેલા છે. પરંતુ હવે તમામ ખેડૂતોએ એકજુટ થવું પડશે. હું રાજનીતિમાં પોતાના સ્વાર્થ માટે નથી આવ્યો મારું સપનું છે કે ગુજરાતના ખેડૂતો ઉદ્યોગપતિઓ બને. શું ગુજરાતના ખેડૂતો ખાલી મજૂરી જ કરતા રહેશે? શું ગુજરાતના ખેડૂતો ખેડૂતોના મતનો ઉપયોગ કરીને દલાલી કરતા નેતાઓને જો હજુ મત આપશે? હવે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવો પડશે. આખા ભારત દેશમાં પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના લાગુ પડે છે તો આપણા ગુજરાતમાં આ યોજના લાગુ કેમ નથી કરવામાં આવતી? 2018-19નો 6000 કરોડનો પાક વીમો બાકી છે અને તે મુદ્દે હજુ પણ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. ભાજપના રાજમાં વીમા કંપનીઓ ભાગી ગઈ અને ખેડૂતોએ તકલીફ રહેવાનો વારો આવ્યો. ભોગાત ગામના લોકો દરરોજ ટેક્સ રૂપે લાખો રૂપિયા સરકારને ચૂકવે છે અને દર વર્ષે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ શું ભોગાત ગામમાં એ પૈસાથી કોઈ સારી સુવિધાઓ આપવામાં આવે છે? ટેક્સના રૂપિયાથી ગામના લોકોને સેવા નથી મળી રહી કારણ કે અત્યાર સુધી તમે લોકોએ એવા લોકોને જ વોટ આપ્યો છે અને જન પ્રતિનિધિ બનાવ્યા છે જે લોકો પ્રજા માટે કામ કરવા માંગતા જ નથી. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલવી પડશે તો જ લોકોના જિંદગીમાં બદલાવ આવશે. અને આ પરિસ્થિતિ બદલવા માટે હવે લોકોએ આમ આદમી પાર્ટીને મોકો આપવો પડશે.

અમરેલી જીલ્લાના મોટી કુંકાવાવ ગામ ખાતે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ ગુજરાત જોડો જનસભામાં હાજરી આપી હતી. આજ જનસભામાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ ૩૦ વર્ષ ભાજપને આપ્યા અને આ 30 વર્ષ દરમિયાન ભાજપે જનતાને કાંઈ આપવાની જગ્યાએ જનતા પાસે જે હતું તે પણ છીનવી લીધું. એની સાથે આખા ગુજરાતમાં હવે ડરનો માહોલ છે. આજે લોકો સરકારને સવાલ પૂછતા પણ ડરે છે અને વિચારે છે કે જો સવાલ પુછીશુ તો જેલમાં જવું પડશે. આવું શાસન અંગ્રેજોનું પણ ન હતું. અંગ્રેજોએ જે પુલ બનાવ્યા એ તો હજુ પણ ટકી ગયા છે પરંતુ ભાજપ એ છેલ્લા 30 વર્ષમાં સારા પુલ પણ બનાવ્યા નથી. પરંતુ હવે સમગ્ર ગુજરાતના લોકોએ વિસાવદરની જનતા પાસેથી શીખ લેવાની જરૂરત છે. કારણ કે એક તરફ આખી સિસ્ટમ, આખી સરકાર, 150 ધારાસભ્યો, અનેક સાંસદ સભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રીની ફોજ હતી, પરંતુ તેની સામે જ્યારે વિસાવદરના લોકો ઊભા થયા તો તે લોકોએ ફક્ત એક સીટ નહીં પરંતુ આખી ભાજપ સરકારને હરાવવાનું કામ કર્યું. એટલા માટે હવે ગુજરાતના લોકો બોલવા લાગ્યા છે કે કામ કરો નહીંતર વિસાવદર વાળી થશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં જ્યાં પણ ભાજપનું કમળ ખીલેલું છે ત્યાં વિસાવદર વાળી થશે. આમ આદમી પાર્ટી એક લક્ષ્ય લઈને નીકળી છે કે ગુજરાતના લોકોને પરિવર્તન આપવું છે ગુજરાતના લોકોને એક નવું નેતૃત્વ આપવું છે અને ગુજરાતના લોકોને પીડામાંથી મુક્ત કરવા છે.