Bhagwant Mann Gujarat Visit: પંજાબને ઉડતા પંજાબમાંથી બહાર કાઢીને વિકાસ અને સમૃદ્ધિના માર્ગે લઈ જનાર અને અનેક લોકકલ્યાણકારી યોજનાઓ લાવી પંજાબમાં વ્યાપક પરિવર્તન લાવનાર પંજાબ AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધિત કર્યુ હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા હાજર રહ્યા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ક્રાંતિકારી હેલ્થ પોલિસી અમલમાં મૂકી છે. ત્યારે પત્રકાર પરિષદને સંબોધન કરતા પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે ભારતમાં પ્રથમ વખત ‘મુખ્યમંત્રી સેહત યોજના’ હેઠળ રૂપિયા 10 લાખ સુધીની મફત સારવાર મળશે. પંજાબમાં દરેક પરિવારને કોઈપણ શરત વિના રૂપિયા 10 લાખ સુધીની મફત સારવાર મળી રહે છે, જેમાં આવક આધારિત કોઈ શરત નથી. કોઈ લીલા-પીળા કાર્ડ કે આવી કોઈ શરતો નથી. ફક્ત આધાર કાર્ડ હોવુ જરૂરી છે. તેની નોંધણી પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને ઘણા લોકોએ પહેલેથી જ નોંધણી કરાવી દીધી છે. અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે કોઈને બીમારી ન આવે. અમે ઈચ્છીએ છીએ કે સૌ સ્વસ્થ રહે. પરંતુ ઘણી વખત અચાનક એવી બીમારી આવી જાય છે કે જે આખા પરિવારને બરબાદ કરી શકે છે. ઘરમાં એક જ સભ્ય બીમાર પડે છે, પરંતુ તેની સારવાર માટે જમીન ગીરવે મુકવી પડે, પત્નીના દાગીના વેચવા પડે એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. હું એવા અનેક પરિવારોને જાણું છું જ્યાં બીમાર વ્યક્તિ પોતે જ કહે છે કે મારો ઈલાજ ન કરાવશો, નહિતર આપણી પાસે જે કંઈ સંપત્તિ છે તે બધું મારી સારવારમાં જ ખર્ચાઈ જશે.
આઝાદી પછી ઘણા લોકોએ મતદાન કર્યું, અનેક પાર્ટીઓએ સરકારો બનાવી, પરંતુ લોકોની સાચી ચિંતા કોઈએ કરી નથી. કોઈએ વિચાર્યું નથી કે આવી આરોગ્ય વીમા યોજના હોવી જોઈએ કે જેમાં સામાન્ય માણસને સુરક્ષા મળે. આજે અમે એવી યોજના લઈને આવ્યા છીએ કે દસ લાખ રૂપિયાનું હેલ્થ કાર્ડ બનાવાશે. તેમાં તમે પોતે સભ્ય છો, તમારા પરિવારના સભ્યો પણ સામેલ છે. પરિવારના સભ્યોની સંખ્યાની કોઈ મર્યાદા નથી,ચાર હોય, પાંચ હોય, જેટલા હોય એટલા નામ લખાવી શકાય. તમે સ્પષ્ટ લખાવી શકો કે મારા કાર્ડમાં પાંચ સભ્યો છે. હવે એક જ વર્ષમાં જો કોઈ સભ્ય બીમાર પડે, વૃદ્ધ વ્યક્તિ બીમાર થાય તો દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય તો એ ખર્ચ સરકાર ભરે છે. પછી ત્રણ મહિના બાદ, જો પરિવારનો બીજો કોઈ સભ્ય બીમાર પડે અને બે લાખનો ખર્ચ થાય, તો એ પણ સરકાર ભરે છે. આ રીતે જો એક જ વર્ષમાં કુલ આઠ લાખ રૂપિયા સારવાર ખર્ચ થાય, તો આઠ લાખ રૂપિયા સરકાર ચૂકવશે. આ પછી, જો તમારી નોંધણીને એક વર્ષ પૂરું થાય, તો ફરીથી તમારા ખાતામાં દસ લાખની મર્યાદા જોડાઈ જશે.
ભગવંત માને જણાવ્યું કે, આવી યોજના મેં એટલા માટે શરૂ કરી છે કે ઘણા પંજાબી ભાઈ-બહેનો અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર દુનિયામાં વસે છે. ગુજરાતી અને પંજાબી તો તમને દરેક જગ્યાએ મળશે. મેં તેમને પૂછ્યું છે કે શું તેમના દેશમાં આવી કોઈ યોજના છે? તો તેઓ કહે છે કે ત્યાં પણ આવી સંપૂર્ણ યોજના નથી. ક્યાંક બે-ત્રણ મહિના પછી કોઈ હેલ્થ કાર્ડની ચુકવણી મળે છે, તો ક્યાંક ઈન્શ્યોરન્સ કંપનીઓ દાંતની બીમારીઓ કે આંખોની બીમારીઓ કવર કરતી નથી, જ્યારે વડીલોને સૌથી વધુ તકલીફ દાંત અને આંખોની જ હોય છે. અમારી યોજનામાં તમામ પ્રકારની બીમારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટથી લઈને ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસ, હૃદય સંબંધિત તમામ રોગો તેમજ માનસિક સ્વાસ્થ્ય (મેન્ટલ હેલ્થ) સંબંધિત સમસ્યાઓ પણ તેમાં આવરી લેવાઈ છે. અર્થાત્, કોઈ પણ પ્રકારની બીમારી થાય તો તેની સારવાર આ યોજનામાં આવરી લેવાશે. ગુજરાતમાં નાની બીમારી માટે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટા શહેરોમાં જવું પડે. ઘણી વખત ગામડાંમાંથી ત્યાં પહોંચવું મુશ્કેલ બની જાય છે અથવા પહોંચ્યા પછી ભારે ખર્ચ સહન કરવો પડે છે. અમારી હેલ્થ સિસ્ટમમાં સૌપ્રથમ આમ આદમી ક્લિનિક છે. દરેક ગામમાં અથવા આસપાસના બે-ચાર ગામોને આવરી લે તેવા મોટા ગામોમાં આ ક્લિનિક ઉપલબ્ધ છે. અહીં ઓછામાં ઓછા 42 પ્રકારના ટેસ્ટ અને તમામ જરૂરી દવાઓ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે.
આજના સમયમાં પંજાબની વસ્તી અંદાજે સાડા ત્રણ કરોડ છે. પંજાબમાં હવે કોઈ પણ વ્યક્તિ માત્ર આર્થિક કારણોસર સારવારથી વંચિત નહીં રહે. જ્યારે કોઈને પૈસાની મજબૂરી હોય ત્યારે પણ તેને સારવાર મળશે. ઘણી વાર તો એવું પણ બનતું કે મૃતદેહ પણ પરિવારને આપવામાં આવતો નથી. હાલમાં જ અમે માનવ અધિકાર અંતર્ગત સુપ્રીમ કોર્ટના આદેશને અમલમાં મૂક્યો છે કે કોઈ પણ હોસ્પિટલ મૃતદેહને રોકી શકશે નહીં. માત્ર બિલ બાકી છે તેવા કારણસર મૃતદેહ રોકવો ગેરકાયદેસર છે. આ નિયમ અમે કડક રીતે અમલમાં મૂક્યો છે અને દરેક હોસ્પિટલને લેખિતમાં આ અંગે બોર્ડ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ દર્દી સારવાર દરમિયાન સાજો થઈ જાય અને પછી પૈસા ચૂકવી શકતો ન હોય, તો તેને જબરદસ્તી હોસ્પિટલમાં દાખલ રાખી શકાય નહીં. હવે તો ‘સેહત યોજના’ આવી ગઈ છે, જેમાં આ તમામ બાબતો આવરી લેવામાં આવી છે. આ યોજનામાં સરકારી કર્મચારીઓ, પેન્શનરો પણ સામેલ છે. અમે કોઈ એવો કડક માપદંડ રાખ્યો નથી, કારણ કે સામાન્ય રીતે ઘણી યોજનાઓમાં એટલી શરતો મૂકવામાં આવે છે કે યોજનાનો વાસ્તવિક લાભ લોકોને મળતો જ નથી. યોજનાઓ માત્ર કાગળ પર જ રહે છે.જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી કેટલીક યોજનાઓમાં જોવા મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જ્યારે ઘર બનાવવાનું આવે છે ત્યારે કહેવામાં આવે છે કે તમારા ઘરે તો ગેસનો ચૂલો છે. એક યોજનામાં એ જ વસ્તુને લાગુ કરી દેવામાં આવે છે અને બીજી યોજનામાં એ જ બાબતને અપવાદ તરીકે ગણવામાં આવે છે, કે જો ગેસનો ચૂલો હશે તો લાભ નહીં મળે. અર્થ એ જ થાય છે કે જો આપવું હોય તો બધાને આપો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી બાદ પંજાબમાં પણ વિજળી બધા માટે મફત છે. 600 યુનિટ મફત વિજળી આપવામાં આવે છે. બે મહિનામાં બિલ આવે છે, એટલે દર મહિને 300 યુનિટ મફત આપવામાં આવે છે. તેમાં કોઈ શરત નથી. ભલે તમારા ઘરે બે એસી હોય કે ત્રણ એસી, કોઈ વાંધો નથી. તમે તમારા ઉપયોગને એ રીતે મેનેજ કરો કે મીટર 599 યુનિટથી ઉપર ન જાય. આ કારણે પંજાબના લગભગ 90 ટકા લોકોને વિજળીનું બિલ આવતું જ નથી. ખેતરોમાં તો વિજળી પહેલેથી જ મફત છે. દેશના અનાજ ભંડાર માટે પંજાબ દર વર્ષે સૌથી વધુ આશરે 185 લાખ મેટ્રિક ટન ચોખા આપે છે. સાથે સાથે દર વર્ષે લગભગ 125 લાખ મેટ્રિક ટન ઘઉં પણ અમે આપીએ છીએ. આ તમામ યોજનાઓમાં દરેક વર્ગનો સમાવેશ થાય છે. આ બાબતમાં અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે લોકોએ આ યોજનાઓને સ્વીકારી છે. બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે. પરંતુ એમણે શું કર્યું? કંઈ ખાસ થયું નથી. અહીં કોંગ્રેસ તો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે. ક્યારેક ખબર જ નથી પડતી કે આ કોંગ્રેસ છે કે ભાજપ,બન્ને જાણે સાથે મળીને જૉઇન્ટ વેન્ચર ચલાવી રહ્યા હોય એમ લાગે છે. અહીં સાચો વિરોધ પક્ષ રહ્યો જ નથી. આમ આદમી પાર્ટીને લોકો પ્રેમ એટલા માટે આપી રહ્યા છે કે કારણ કે અમે લોકોની વાત કરીએ છીએ. ક્યાંક ખેડૂતોનો મુદ્દો હોય તો અમારા પ્રદેશ પ્રમુખો ત્યાં પહોંચી જાય છે, આદિવાસીઓનો પ્રશ્ન હોય તો અમારા ધારાસભ્યો ત્યાં બેઠા રહે છે. અહીં કોંગ્રેસ ભાજપ સાથે મળીને કામ કરે છે. તેમના ઘણા બિઝનેસ એકબીજા સાથે જોડાયેલા છે, અડધાથી વધારે કામ તો જૉઇન્ટ વેન્ચર તરીકે જ ચાલે છે. એટલે જ હું ગુજરાતની જનતાને આહ્વાન કરવા આવ્યો છું કે હવે આ લોકોથી કંઈ થવાનું નથી. જો કરવું હોત તો 30 વર્ષમાં કંઈક તો કરી બતાવ્યુ હોત. અહીં ખોટ તેમની નીતિમાં જ છે. જ્યારે નીતિમાં જ ખોટ હોય, ત્યારે પરિણામ આવવાનું નથી. એટલે આમ આદમી પાર્ટીને પસંદ કરો. આમ આદમી પાર્ટીનો અર્થ છે, જનતાની પોતાની સરકાર. તમે જાતે સરકાર બનાવો, તમારી સરકાર બનાવો, અને નિર્ણયો પણ તમારા હિતમાં આવશે. અમારી પાસે જે પણ સ્કીમ છે, તે સૌ માટે છે. દરેકને તેનો લાભ મળશે. જ્યારે મતદાન સમયે દરેક નાગરિકનો એકસરખો મત હોય છે, તો યોજનાઓ પણ સૌ માટે એકસરખી કેમ ન હોય?





