Amit Chavda Congress: વિધાનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ Amit Chavdaએ પ્રેસ મીડિયાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો સાચો ચહેરો બહાર આવ્યો છે. ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં કડકાઈ દેખાડતી આ સરકાર ઉદ્યોગપતિઓ સામે કેમ લાચાર બની જાય છે? પૂછાયેલા પ્રશ્ન નંબર ૩૩ના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ સ્ટીલ ઈન્ડિયા કંપની દ્વારા સરકારી તથા ગૌચર જમીન પર કુલ 173 હેક્ટર જેટલું દબાણ કરવામાં આવ્યું છે. છેલ્લા અનેક વર્ષોથી વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકાર પોતે જ રેકોર્ડ પર મૂકે છે કે અલગ-અલગ સર્વે નંબરની જમીનો પર વર્ષો સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રહ્યો છે. કેટલીક જમીન પર 38 વર્ષથી, કેટલીક પર 36 વર્ષથી, કેટલીક પર 33 વર્ષથી અને કેટલીક પર 30 વર્ષથી દબાણ હોવાની કબૂલાત સરકારે જ કરી છે.
એક જ કંપની દ્વારા 173 હેક્ટર જેટલી વિશાળ સરકારી જમીન પર વર્ષો સુધી કબજો હોવા છતાં સરકાર તેને ખાલી કરાવી શકતી નથી. ત્યાં બુલડોઝર નથી ચાલતા. પરંતુ બીજી તરફ રાજકોટમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે છે; અમદાવાદમાં ઠાકર, રબારી, દલિત, બક્ષીપંત અને લઘુમતી સમાજના ઘરો પર કાર્યવાહી થાય છે. અંબાજી, વેરાવળ, સોમનાથ, દ્વારકા જેવા વિસ્તારોમાં લોકોના આશિયાના અને મંદિરો પર પણ બુલડોઝર ફરે છે. ડબલ એન્જિન સરકારમાં ગરીબ સામે કડકાઈ અને ઉદ્યોગપતિ સામે નરમાઈ કેમ? ત્રીસ-ત્રીસ વર્ષ જૂના દબાણ પર પણ કાર્યવાહી ન કરી શકતી આ સરકાર “સબકા સાથ, સબકા વિકાસ”નો સૂત્ર આપે છે, પરંતુ હકીકતમાં ગરીબ અને મધ્યમ વર્ગના હિતોનું નુકસાન કરતી અને ઉદ્યોગપતિઓ સામે લાચાર બનતી દેખાય છે.





