Manoj Sorathia AAP: આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત લડી રહી છે. ખેડૂતો માટે કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં વધુ એક કિસાન મહાપંચાયત યોજવાનું એલાન કર્યું છે. Manoj Sorathiaએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છેલ્લા છ મહિનાથી ગુજરાતના ખેડૂતો માટે, ખેત મજૂરો માટે સંઘર્ષ કરી રહી છે, બોટાદથી શરૂ થયેલું આંદોલન ગુજરાતના અલગ અલગ ખૂણાઓ સુધી પહોંચી રહ્યું છે અને આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી અલગ અલગ જગ્યાએ કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. આ કિસાન મહાપંચાયતની આગલી શૃંખલામાં એક મણકા સ્વરૂપે આગામી 29 તારીખે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કિસાન મહાપંચાયતમાં જે લોકો ખેડૂતોની સાથે છે, ખેડૂતોનું સારું ઈચ્છે છે, ખેડૂતો આ સ્થિતિમાંથી બહાર આવે તેવું ઈચ્છે છે એ તમામ લોકોને અને ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટેનું ભાવભીનું આમંત્રણ છે.

AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો,ખેત મજૂરો, ભાગીયાઓ અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો છે ત્યારથી રાહ જોઈને બેઠા છે કે રાહત પેકેજમાં જે પણ નક્કી થયું છે એ સહાય જલ્દીથી હાથમાં આવે એટલે આગળનો પાક વાવીએ પરંતુ આ બહેરી મૂંગી સરકાર તાઇફાઓ કરતી સરકાર માત્રને માત્ર ઢાંક પિછોડા કરવાની કોશિશ કરે છે.સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે પરંતુ હજી સુધી એક પણ રૂપિયો ખેડૂતોના ખાતામાં અપાયો નથી. 21 લાખ જેટલી અરજીઓ આવી હતી તેમાંથી માંડ એક લાખ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મતલબ કે રાહતના પૈસા કોઈને આપવાની સરકારની દાનત નથી. એટલા માટે જ આપણે સૌએ સાથે મળીને ગુજરાતને અને ગુજરાતના ખેડૂતોને આ પીડામાંથી મુક્ત કરવાનું કામ કરવાનું છે અને સત્તામાં બેસેલી તાનાશાહી સરકારને બહેરી મૂંગી સરકારને ઘરે બેસાડવાનું કામ કરવાનું છે.