ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. ટીઆરપી ગેમઝોન ખાતે જે ગેરકાયદેસર બાંધકામ હતું તે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે રાજકોટ વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નિતીન રામાણી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે નિતીન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલાત પણ કરી છે કે, તેણે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈનનો આર્કિટેક સાથે સંપર્ક કરાવ્યો હતો.
સાથે જ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામોને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા કાયદેસર પણ કરી આપે છે. અધિકારીઓની એક લિંક હોય છે જેના આધારે ખર્ચ (વહીવટ) થાય છે. જે વહીવટના આધારે લોકોના કામ થાય છે. જોકે કોર્પોરેશનમાં આ વર્ષોથી ચાલી આવી રહ્યું છે. અગાઉ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી હતી. તે બાબતે નીતિન રામાણીએ મીડિયા સમક્ષ કબુલાત કરતા જણાવ્યું છે કે, આર્કિટેક વરુએ મારું ધ્યાન દોર્યું હતું કે વર્ષ 2023માં કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. મેં એક પણ રુપિયો પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન પાસેથી લીધો નથી. આર્કિટેક દ્વારા વહીવટ કરવામાં આવ્યો હોય તો તે બાબતે મને ખ્યાલ નથી. ટીઆરપી ગેમઝોન ખાતે બનાવ બન્યાના 15-20 દિવસ પૂર્વે હું મારા પરિવારજનોને લઈ ગયો હતો. વેકેશન હોવાના કારણે હું પરિવારજનોને લઈને ગયો હતો.
નોંધનીય છે કે, ટીઆરપી ગેમઝોન ખાતે ડિમોલેશનની નોટિસ મળ્યા બાદ ડિમોલેશન અટકાવવા માટે 1.5 લાખ રૂપિયાનો તોડ વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર નિતીન રામાણીએ કર્યો હોવાની ચર્ચા ઉઠી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી યુવરાજસિંહ સોલંકીએ નિતીન રામાણીના નામ સહિતની બાબતો અંગે ખુલાસો કર્યો હોવાની ચર્ચા ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, આજરોજ રાજકોટની કોર્ટમાં અશોકસિંહ જાડેજાના આગોતરા જામીન અરજી મામલે સુનવણી હાથ ધરવામાં આવનાર છે. તો સાથે જ અશોકસિંહ જાડેજાના ઝડપાયેલા ભાઈ કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કિરીટસિંહ જાડેજાને સાંજના પાંચ વાગ્યે પૂર્વે રજૂ કરવામાં આવશે. સંભવતઃ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કિરીટસિંહ જાડેજાના વધુ રિમાન્ડની માંગણી કરવામાં નહીં આવે જેના કારણે કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવવામાં આવશે.