Dahod Congress: ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વિજયભાઈ દવે, મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને કો-કન્વીનર હેમાંગ રાવલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના કેટલાક અગ્રણીઓએ કોંગ્રેસમાં વિધિવત જોડાઈને રાજકીય હલચલ મચાવી છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કર્યું હતું.
દાહોદના આગેવાનોનો કોંગ્રેસ તરફ વાળો
દાહોદ જિલ્લાના જાણીતા આગેવાનો— મહેશભાઈ મછાર, જયંતિભાઈ અંડ, મોહનભાઈ ડામોર અને દિનેશભાઈ નિનામા—એ ભાજપ છોડીને Cogressમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેઓએ ભાજપ સરકારની નીતિઓ, ખાસ કરીને આદિવાસી સમાજ પ્રત્યેની અવગણના અને ભ્રષ્ટાચાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
મહેશભાઈ મછારે જણાવ્યું કે ભાજપના નેતાઓના ભ્રષ્ટાચાર અને આદિવાસી પ્રશ્નોની અવગણનાથી કંટાળીને તેઓએ કોંગ્રેસની વિચારધારાને સ્વીકારી છે, જેથી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય.
કોંગ્રેસનો ભાજપ પર આકરો હુમલો
આ પ્રસંગે ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. તેમણે છોટા ઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારોમાં થયેલા ગેરવહીવટ અને ટ્રાઈબલ સબ-પ્લાનના નાણાંમાં ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો.
તેમણે વધુમાં કહ્યું કે મનરેગા કૌભાંડ દ્વારા ગરીબોના હકો છીનવાયા છે અને આદિવાસી સમાજને જમીન, શિક્ષણ અને રોજગાર જેવા મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો છે.
કોંગ્રેસનો દાવો: આદિવાસી સમાજ માટે પ્રતિબદ્ધતા
કોંગ્રેસે દાવો કર્યો કે પાર્ટીએ હંમેશા આદિવાસી સમાજના હકો માટે કામ કર્યું છે. વન અધિકાર કાયદો અને PESA Act જેવા કાયદાઓ દ્વારા આદિવાસીઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
આ ઘટના ગુજરાતના રાજકારણમાં નવી દિશા દર્શાવે છે, જ્યાં ભાજપમાંથી કોંગ્રેસમાં થતા ફેરફારો આગામી ચૂંટણીમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે છે.





