Bhavnagar: “છેલ્લા દાયકામાં જંગલોની પરિસ્થિતિ બદલાવા માંડી છે અને તમામ જગ્યાએ પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ, કાગળિયા વગેરે જોવા મળે છે. કોઇકે તો આ કચરો સાફ કરવાની શરૂઆત કરવી જ પડશે! હું પોતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનથી ખૂબ જ પ્રભાવિત છું, અને આ ધરતીએ મને બનાવ્યો છે તો મારે ધરતીને કંઇક પાછું આપવું જોઇએ, એવા વિચાર સાથે પ્લાસ્ટિકમુક્ત ભાવનગર બનાવવાની મારી યાત્રાની શરૂઆત થઈ.” આ શબ્દો છે, ભાવનગરમાં છેલ્લા 23 વર્ષોથી જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડૉ. તેજસ દોશીના.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી દેશભરમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી l ભૂપેન્દ્ર પટેલે પણ ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની ભાવનાને રાજ્યના નાગરિકોમાં ઉજાગર કરવાના હેતુથી આ અભિયાનનો ગુજરાતભરમાં પ્રારંભ કર્યો છે. ત્યારે ડૉ. તેજસ દોશી છેલ્લા એક દાયકાથી ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રને આત્મસાત કરીને ભાવનગરને પ્લાસ્ટિકમુક્ત કરવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે.
ડૉ. તેજસ દોશીએ પર્યાવરણના સંરક્ષણ સંબંધિત વિવિધ રસપ્રદ પ્રોજેક્ટ્સ ચલાવ્યા છે, જેમાં તેમને જ્વલંત સફળતા મળી છે. તેમના સ્વચ્છતા સંબંધિત પ્રોજેક્ટ્સની નોંધ લઇને વર્ષ 2019માં તેમને ભાવનગર માટે ‘સ્વચ્છ ભારત મિશન – ભારત સરકાર’ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
વર્ષ 2014માં સૌપ્રથમ ‘નો હોંકિંગ પ્રોજેક્ટ’
ધ્વનિ પ્રદૂષણને ડામવા અને યુવાનોને અકારણ હોર્ન મારતા અટકાવવાના પ્રયાસરૂપે ડૉ. તેજસ દોશીએ વર્ષ 2014માં ‘નો હોંકિંગ પ્રોજેક્ટ’ અમલમાં મૂક્યો. આ પ્રોજેક્ટ 52 અઠવાડિયા માટે, 52 શાળાઓના 52 હજાર બાળકો (પ્રતિ શાળા 1000 બાળકો) થકી અમલમાં મૂકવો, એવો પ્રારંભિક વિચાર હતો. આ બાળકો તેમની શાળાની નજીકના ચાર રસ્તા પાસે શુદ્ધ ગુજરાતી ભાષામાં ધ્વનિ પ્રદૂષણ સંબંધિત બેનર્સ લઇને એક કલાક સુધી ઊભા રહે. કોઈ નારા નહીં, કોઈ સૂત્રોચ્ચાર નહીં, બસ મૌન બેનર્સ લઈને ઊભા રહેવાનું. આ ઉપરાંત, ધ્વનિ પ્રદૂષણ અને હોર્ન નહીં મારવા સંબંધિત ચોપાનિયાં પણ છપાવવામાં આવ્યા, અને બાળકોને સૂચના આપી કે આ ચોપાનિયાં ડૂચો મારીને ચાર રસ્તે વાહન લઇને ઊભા રહેતા લોકોના હાથમાં આપવા. ડૂચો વાળીને આપીશું તો સહજ જિજ્ઞાસાથી તે લોકો એને ખોલીને વાંચવા પ્રેરાશે.
આ પ્રોજેક્ટને જ્વલંત સફળતા મળી, અને ફક્ત 52 અઠવાડિયા માટે વિચારેલો આ પ્રોજેક્ટ 153 અઠવાડિયા સુધી ચાલ્યો અને 153 શાળાઓના 1,53,000 બાળકો તેમાં સામેલ થયા. ઉલ્લેખનીય વાત એ છે કે, આ જ પ્રોજેક્ટની તર્જ પર નડિયાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને મુંબઈમાં પણ નો હોંકિંગ પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવ્યા.
રિસાયકલ, રિપ્રોડ્યુસ અને રિયુઝના કોન્સેપ્ટ સાથે જોય ઑફ ગિવિંગ
પોતાની ક્લિનિકના ખાનામાં 38 જેટલી નકામી પ્લાસ્ટિકની પેનો જોઇને, ડૉ. દોશીને વિચાર આવ્યો કે મારી પાસે જ આટલી બધી ખાલી પેનો છે, તો અન્ય લોકો પાસે કેટલી નકામી પેનો હશે? અને આમાંથી જન્મ્યો ‘જોય ઑફ ગિવિંગ’ પ્રોજેક્ટ, જે 3R એટલે કે ‘રિસાયકલ, રિપ્રોડ્યુસ, રિયુઝ’ના કોન્સેપ્ટ સાથે અમલમાં મૂકવામાં આવ્યો. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે એક સોશિયલ મીડિયા કેમ્પેઇન શરૂ કર્યું. સોશિયલ મીડિયામાં તેમણે મેસેજ ફરતો કર્યો કે ‘તમારી જૂની, એક્સ્ટ્રા પેનો મારા ક્લિનિક પર મોકલાવશો. હું તેમાં નવી રિફિલો નખાવીશ અને આ પેનો જરૂરિયાતમંદ લોકોને મોકલાવીશ.’
આ પ્રોજેક્ટ હેઠળ 2019 થી 2024ના જૂન મહિના સુધીમાં ડોક્ટરસાહેબે 11 લાખથી વધુ પેનોનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર્યું છે, અને 3,56,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી આ પેનો પહોંચાડી છે. ગુજરાતમાં ભાવનગરની તમામ સરકારી શાળાઓ, ડાંગની આદિવાસી શાળાઓ ઉપરાંત, ગુજરાત બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને બેંગલોર સુધી તેમણે આ રિફિલ થયેલી પેનો પહોંચાડી છે.
આ પ્રોજેક્ટ એટલો સફળ થયો છે કે, તે ભારતની બહાર પણ પહોંચ્યો છે. આજે તેમની ક્લિનિકમાં શિકાગો, વર્જિનિયા અને મેલબર્નથી પણ ખાલી પેનો આવે છે. આ ઉપરાંત, એક રિફિલ બનાવતી કંપનીએ તેમને નહીવત દરે 6 લાખ માસ્ટર રિફિલો પણ ઉપલબ્ધ કરાવી છે, જે કોઈપણ પેન માટે યુઝ કરી શકાય.
પ્રોજેક્ટ 3: ડોન્ટ કટ ધ કોર્નર
2019માં ભાવનગરમાં ભારે વરસાદના કારણે ગટરો ચોકઅપ થઈ ગઇ. ડૉ. દોશીએ ગટરોમાંના કચરાને લેબોરેટરીમાં ચેક કરવા મોકલ્યો, જેના રિપોર્ટ પ્રમાણે એ કચરામાં સૌથી વધુ પ્લાસ્ટિક હતું, અને ખાસ તો પ્લાસ્ટિકની કોથળીઓના કાપી નાખવામાં આવેલા કોર્નર. આ એક સમસ્યા છે કે, બહેનો દૂધ કે છાશની કોથળી ખાલી કરે ત્યારે કોર્નર કટ કરી લે ને પછી દૂધ કે છાશ તપેલીમાં ઠાલવી દે. પછી આ થેલીઓ તો રિસાયકલમાં જાય પણ એનો કપાયેલો કોર્નર કચરામાં જાય, ને સરવાળે એ કચરો ગટરમાં જમા થાય.
આ સમસ્યા માટે ડોક્ટર સાહેબે ભાવનગરમાં ‘ડોન્ટ કટ ધ કોર્નર’ અભિયાન ચલાવ્યું, જે અંતર્ગત તેમણે 250 શાળા-કોલેજોમાં 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓના લેક્ચર લીધા, તેમજ 130થી વધુ સોસાયટીઓમાં બહેનોને પણ સમજાવી કે, દૂધ-છાશ વગેરેની પ્લાસ્ટિકની કોથળીમાં ફક્ત એક કાપો જ મારવો પણ આખો કોર્નર કટ કરીને કચરામાં નાખવો નહીં.
ઇકો બ્રિક્સ અભિયાન થકી ભાવનગરમાં બન્યો ભારતનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક
કોરોના મહામારીના સમય પછી રસ્તા પર ખૂબ મોટી સંખ્યામાં નાની-નાની પ્લાસ્ટિકની કોથળીઓ જોવા મળતી હતી, જે પ્રાણીઓના પેટમાં પણ જવા લાગી હતી. ફરી એકવાર, ડૉ. દોશીએ ઇકો બ્રિક્સ એટલે કે પર્યાવરણને અનુકૂળ એવી ઇંટો માટેનું અભિયાન શરૂ કર્યું, જે હેઠળ 1 લીટરની પાણીની બોટલમાં રિસાયકલ ન થઈ શકે તેવી પ્લાસ્ટિકની કોથળીઓ ભેગી કરવાની ને એ બોટલ તેમની પાસે જમા કરાવવાની.
3 મહિનામાં ફક્ત 30 જ બોટલો જમા થઈ. તેથી ડોક્ટરસાહેબે વિચાર્યું કે જો કોઈ વળતર જાહેર કરીશું તો જ આ અભિયાનને પ્રતિસાદ મળશે. તેમણે અભિયાન ચલાવ્યું કે આવી 3 બોટલો જમા કરો ને બદલામાં ₹10 આપવામાં આવશે. આ અભિયાનને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો જબરદસ્ત સપોર્ટ મળ્યો. રસ્તા પરના સફાઇ કામદારો સવારમાં આવી કોથળીઓ ભેગી કરે, બપોરે બોટલમાં ભરીને તેની ઇકો-બ્રિક બનાવે અને જમા કરાવે. આ કામ માટે ભાનગરના 13 વોર્ડમાં 13 ઓફિસો બનાવવામાં આવી, જ્યાં આ બોટલો જમા કરવામાં આવતી હતી. 1 વર્ષની અંદર 1 લાખ 80 હજાર બોટલો જમા કરાવવામાં આવી.
આ બોટલોની મદદથી ભારતનો પહેલો ઇકો બ્રિક પાર્ક એટલે કે બગીચો ભાવનગરમાં બનાવવામાં આવ્યો. આ માટે ભાવનગર કોર્પોરેશને લગભગ 500 મીટરની જગ્યા ફાળવી. આ ઉપરાંત, ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તેમની કોફી ટેબલ બુકમાં આ પ્રોજેક્ટને બેસ્ટ મોડ્યુલ પ્રોજેક્ટ તરીકે સ્થાન મળ્યું.
50 પ્લાસ્ટિકની થેલીના બદલામાં કાપડની એક થેલી લઇ જાઓ
ઇકો-બ્રિક પ્રોજેક્ટ પછી પણ પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ રસ્તા પરથી ખાસ દૂર થઈ ન હતી. તેથી, ડૉ. તેજસ દોશીએ ફરી એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો, કોટન બેગ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે અભિયાન શરૂ કર્યું કે 50 પ્લાસ્ટિકની થેલીઓ મને આપો ને બદલામાં 1 કાપડની થેલી લઇ જાઓ. વર્ષ 2022માં શરૂ થયેલા અભિયાન હેઠળ અત્યારસુધીમાં 1.5 લાખ કાપડની થેલીઓનું તેમણે વિતરણ કર્યું છે અને બદલામાં 75 લાખ પ્લાસ્ટિકની કોથળીઓ તેમણે સમાજમાંથી ઓછી કરી છે. આ તમામ થેલીઓ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરવામાં આવે છે. ત્યાંથી આ થેલીઓને રિસાયકલ પ્લાન્ટમાં મોકલી દેવામાં આવે છે, જેનો ઉપયોગ રસ્તાઓ, બ્લોક્સ વગેરે બનાવવામાં કરવામાં આવે છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે.
ડૉ. તેજસ દોશી જણાવે છે કે, વર્ષ 2014માં ફક્ત 14 લોકોની મદદથી આ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા, અને આજે આ તમામ અભિયાનોમાં લગભગ 25 લાખ લોકો જોડાયા છે. ડોક્ટરના દરેક પ્રોજેક્ટનો ઉદ્દેશ લોકોની આદતમાં સુધાર લાવવાનો છે, જેથી સમાજ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવે. આ ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન LiFE ને એકદમ અનુરૂપ છે. તેઓ જણાવે છે કે, “વડાપ્રધાનનું સ્વચ્છ ભારત મિશન ખૂબ જ જરૂરી છે. એના પરિણામો થોડાંક વર્ષોમાં આપણને જોવા મળશે. મોદી સાહેબે જે શરૂઆત કરી છે, એની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક તો થશે જ. એના થકી આપણે નવી પેઢીને નવું ભારત આપી શકીશું.”