Bhavnagar: ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરથી ૫૨ કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું નજરાણું છે. આ ઉદ્યાનમાં કાળીયાર સિવાય વરુ, ઝરખ, નીલગાય તેમજ અહીંના વેટલેન્ડમાં દેશ વિદેશના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે. પ્રકૃતિપ્રેમીઓ માટે કાળીયાર ઉદ્યાન સ્વર્ગ સમાન છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ૫ હજાર કાળીયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે.

આ રાષ્ટ્રીય ઉદ્યાન તેની ઘાંસીયા ભૂમિ અને  સ્થાનિક વૃક્ષોથી રચાયેલ વસાહત, કાળીયાર, નીલગાય, ભારતીય વરૂ, ઝરખ, શિયાળ, લોંકડી જેવા પ્રાણીઓ અને ખડમોર (લેસર ફલોટીકન) અને પટ્ટાઇઓ (હેરીયર્સ) જેવા યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આશ્રયસ્થાન છે. આ સમગ્ર વિસ્તારને “ભાલ” તરીકે ઓળખવામાં આવે છે. આ ભાલ વિસ્તારને કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલુ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ૩૪.૫૩ ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. સમતળ જમીન, સુકુ ઘાસ અને  હરણોના ટોળાંઓ હંમેશા આ પાર્કમાં મુલાકાતીઓને આકર્ષિત કરે છે. જેમાં એક અનન્ય ઘાસવાળી  ઇકોસિસ્ટમ છે. 

કાળીયાર

ભાવનગર જિલ્લાના વેળાવદરમાં જોવા મળતા કાળીયાર “Antelope cervicapra rajputanae ( વૈજ્ઞાનિક નામ)” તરીકે ઓળખાય છે, જે ભારતમાં અન્ય રાજયમાં જોવા મળતા કાળીયારો કરતાં અલગ દેહલાલીત્ય ધરાવે છે. તે ટોળામાં રહે છે અને પ્રતિ કલાક ૮૦ કિ.મી. ની ઝડપે લાંબા અંતર સુધી દોડી શકતું એકમાત્ર પ્રાણી ચિત્તો છે, પરંતુ તે ટુંકા અંતર માટે વધુ ઝડપથી દોડી શકે છે. જ્યારે કાળીયાર તેની પૂર્ણ ક્ષમતાએ દોડે ત્યારે તેની બે ખરીની છાપ વચ્ચેનું મહત્તમ અંતર ૬.૬૦ મી. જોવા મળે છે. 

ખડમોર (લેસર ફલોરીકન)

લેસર ફલોરીકન પક્ષી બસ્ટાર્ડ કૂળનું દુર્લભપક્ષી છે, જેને ખડમોર તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે ચોમાસાના વાદળો ઘેરાય ત્યારબાદ આ પક્ષીઓનું આગમન થાય છે અને નર પક્ષી પોતાની હદ નક્કી કરી માદાને પોતાની તરફ આકર્ષવા ૧.૫ થી ૨.૦ મી. ઉંચો ફૂદકો મારે છે અને ટરરરુ જેવો અવાજ કરે છે. આ પક્ષી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. માદા જમીન પર માળો બાંધી તેમાં ત્રણથી ચાર ઈંડા મુકે છે અને બચ્ચાનો ઉછેર કરે છે. તેની સંવનન સિવાયની ૠતુમાં તે કયાં વસે છે, તેના ઉપર સંશોધન થઈ રહ્યાં છે. પ્રવાસીઓ માટે આ સમય દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રહેવાથી આ પક્ષીઓને નિહાળી શકાતા નથી.

પટ્ટાઇઓનું વિશ્વનું સૌથી મોટું સામુદાયિક શયન સ્થાન

પટ્ટાઇ એ શિકારી કૂળનું યાયાવર પક્ષી છે, જેની કુલ-૦૪ (ચાર) જાતો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નોંધાયેલ છે. આ પક્ષીઓ કઝાકીસ્તાન અને સાયબીરીયા જેવા ઠંડા પ્રદેશોમાંથી શિયાળો ગાળવા અંદાજે ૮૦૦૦ કિ.મી. જેટલું અંતર કાપી અહીં આવે છે. તે કીટક, નાના ઉંદર જેવા પ્રાણીઓ, પક્ષીઓ, ઈયળો, ગરોળીઓ, કાંચીડા વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અલગ-અલગ વિસ્તાર અને જાતિના પટ્ટાઈઓ સમૂહમાં ઘાંસીયા ભૂમિમાં રાતવાસો કરતા હોવાથી તેને સામૂહિક શયન તરીકે ઓળખવામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પટ્ટી-પટ્ટાઈ, ઉજળી પટ્ટાઇ, ઉત્તરીય પટ્ટાઇ અને પાન પટ્ટાઇ જોવા મળે છે. 

ઝરખ

ઝરખ એ સફાઈ કામદાર તરીકે ઓળખાતું શ્વાનકૂળનું પ્રાણી ણી છે. આ પ્રાણી મૃત્યુ પામેલા પ્રાણીઓના માંસ અને હાડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે સામાન્ય કુતરા કરતા કદમાં મોટું અને આગળના ખંભાથી ઉંચાઈ વધારે હોય છે, જયારે પાછળના પગની ઉચાઈ ઓછી હોવાથી કદરૂપુ દેખાય છે. એના શરીર પર કાળા રંગના અનિયમિત પટ્ટા જોવા મળે છે. તેઓ રાષ્ટ્રીય ઉદ્યાનના પર્યાવરણને જાળવી રાખવા સફાઈનું કામ અસરકારક રીતે કરે છે અને મૃત્યુ પામેલા પ્રાણીઓના મોટા હાડકાને ચાવીને કેલ્શીયમ અને ફોસ્ફરસ જેવા કિંમતી પોષાક તત્વોનું રીસાયકલીંગ કરે છે.

ભારતીય વરૂ (વુલ્ફ)

કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતીય વરૂની વસ્તી માટે પણ વિખ્યાત છે. આ વસાહતમાં વરુ ટોચનું શિકારી પ્રાણી છે, તેના આહારમાં ૮૦ થી ૯૦ ટકા ભાગ કાળીયાર હોય છે, જ્યારે અન્ય આહારમાં ખીસકોલી, સસલાં, પાણી કાંઠાના પક્ષીઓ વગેરે છે. વરૂ પણ સામાજિક પ્રાણી છે અને જૂથમાં રહે છે. એક જૂથમાં બે થી માંડીને તેર સુધીના સભ્યો જોવા મળે છે. કિશોરવયના વરૂ પુખ્ત બનતા પોતાના અલગ વિસ્તારોમાં વિસ્તરણ પામે છે.

આ ઉદ્યાન આમ તો આખું વર્ષ ખુલ્લું હોય છે, ચોમાસા અને શિયાળાની વચ્ચેનો સમય (સામાન્ય રીતે મધ્ય જૂન થી માર્ચના અંત સુધીનો સમય) સલાહ યોગ્ય છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે કેમકે આ સમય દરમ્યાન ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે. જેમકે પટ્ટાઇની ત્રણ પ્રજાતિઓ લેસર ફ્લોરીકન, ગરુડ, સારસ અને અન્ય જળ પક્ષીઓ શિયાળો અહીં ગાળે છે.

      અત્રે નોંધનીય છે કે, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા સહેલાણીઓ માટે અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કાળીયાર નેશનલ પાર્કમાં જવા માટે સહેલાણીઓ ટીકીટ મેળવી પ્રવેશ મેળવી શકે છે. જેના ભાવ પણ બીજા નેશનલ પાર્ક કરતા ખુબ જ ઓછા છે. અહીં જોવા આવતા લોકો માટે ૧૫ જેટલી  ગાડીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને સાથે ૨૨ જેટલાં ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંનો પ્રાકૃતિક વેટલેન્ડ વિસ્તાર અતિ સમૃદ્ધ છે.