Bhavnagar: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું. વડાપ્રધાનશ્રીએ ગઇકાલે થયેલા એમ.ઓ.યુ. માટે પોર્ટ અને મરિન ક્ષેત્રનાં વ્યવસાયીઓનો પણ આભાર પ્રગટ કર્યો હતો. 

વડાપ્રધાનશ્રીએ આ કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, “ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનો દ્વાર ખોલવો છે. આજે ભાવનગર સમુદ્ર થી સમૃધ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે. 

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦૪૭ માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. તેની વિભાવના પર ભાર મુક્તા જણાવ્યું કે, સો દુ:ખોની એક જ દવા છે તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયાકિનારો સમૃધ્ધિના દ્વાર ખોલનાર બની રહેવાનો છે. ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પૂરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરિન ક્ષેત્રની અનેક નીતિઓમાં પરિવર્તન લાવી રહી છે.

વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતનું કોઇ દૂશ્મન નથી. દૂશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે ૧૪૦ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી “આત્મનિર્ભર ભારત” ના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે. 

આ સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આ મંત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશવાસીઓએ એક ભારત – શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે કાર્ય કરવું પડશે. ગુજરાતના વેપારીઓ પણ તેમની દુકાન પર “ગર્વથી કહો, આ સ્વદેશી છે” ના સ્ટિકર લગાવી આત્મનિર્ભર ભારતની આહલેખને વધુ મજબૂત બનાવે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, પોર્ટ લેઇડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમજ ક્રૂઝ ટુરિઝમને વધારવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્યો ગતિ-પ્રગતિમાં છે. ગુજરાતમાં પણ અલંગ સાથે અનેક જગ્યાએ શિપ બિલ્ડીંગ અને રિ-સાયક્લિંગના કાર્યો વિકસિત થઇ રહ્યાં છે. 

આત્મનિર્ભરતા કેળવવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે. દુનિયા સામે ટટ્ટાર ઉભું રહેવું પડશે. ભારતમાં સામર્થ્યની કોઇ કમી નથી. આઝાદી બાદ કોંગ્રેસે લાઇસન્સ અને ક્વોટા રાજમાં દેશનાં મેરિટાઇમની ઇકોસિસ્ટમને ઠપ્પ કરી નાંખી હતી. ભૂતકાળમાં વિદેશી જહાજોને ભાડે રાખવા એ આપણી મજબૂરી બની ગઇ હતી. માત્ર ૫ ટકા જ ધંધો રહી ગયો હતો. દર વર્ષે ભારત ૭૫ બિલિયન (૬ લાખ કરોડ) વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે ચૂકવતું હતું. આ સ્થિતિને આપણે સ્વદેશી જહાજોનું નિર્માણ કરી બદલવી છે. તાજેતરમાં, ભારત આઇ.એન.એસ. વિક્રાંત સહિત ૪૦ સ્વદેશી જહાજોનું નિર્માણ કર્યુ છે, જેમા હાઇ ક્વોલિટી સ્ટીલ સહિતની સામગ્રી ભારતની બનાવટની વાપરવામાં આવી છે. જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે. 

વર્તમાન સરકારે સામુદ્રિક વેપારને નવી દિશા આપવા અનેક કાયદામાં બદલાવ કર્યો છે. મેરિટાઇમ ક્ષેત્રમાં રિફોર્મ કરી ૫ કાયદા નવા અવતારમાં રજૂ કર્યા છે. તેનાથી પોર્ટ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. ભારત સદીઓથી મોટા જહાજો બનાવવાનો વારસો ધરાવતું હતું. આ ઇતિહાસને પુન:જીવિત કરવો છે. મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી શિપ બિલ્ડર્સ ને બેન્કમાંથી સરળતાથી લોન મળશે અને વ્યાજમાં પણ રાહત થશે. આનાથી ભારતની શિપિંગ કંપનીઓ પર પડતો બોજો ઓછો થશે. 

વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં તેમના જન્મદિવસના અવસરે દેશ અને દુનિયાભરમાંથી મળેલા પ્રેમ અને  આશીર્વાદનો ઋણસ્વિકાર કરી તમામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિશ્વકર્મા જ્યંતિથી ગાંધી જ્યંતિ સુધી દેશભરમાં યોજાય  રહેલા સેવા પખવાડીયા અંતર્ગત ગુજરાતે છેલ્લા બે – ત્રણ દિવસમાં જ એક લાખ યુનિટ લોહી એકત્ર કર્યું છે. ૩૦,૦૦૦ સ્થળોએ મહિલા સ્વાસ્થ્ય સહિત આરોગ્યલક્ષી કેમ્પ થયા છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. 

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી. સ્લેબ માં કરેલા ઘટાડાને કારણે આગામી  દિવાળીમાં બજાર રોનક વધવાની છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ કરી તેમણે નવરાત્રીના આવી રહેલા પાવન પર્વ પ્રસંગે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. 

શીપ બિલ્ડીંગ માટે દેશભરમાં વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ શીપ બિલ્ડીંગને અન્ય ઉદ્યોગની પણ જનની ગણાવી હતી. અનેક ઉદ્યોગોને શીપ ઇન્ડસ્ટ્રીઝથી ફાયદો થાય છે. દરેક રોજગાર સપ્લાય ચેનમાં શીપ બિલ્ડીંગનું ખૂબ મહત્વ છે અને મોટી રોજગારી પેદા કરનારું ક્ષેત્ર છે.

સાગરમાલા જેવા ઉપક્રમોને પરિણામે સમુદ્રી રસ્તાથી વિશ્વભરમાં વેપાર વધી રહ્યો છે. હયાત વેપારને ત્રણ ગણો કરવાનું આયોજન છે. આ ક્ષેત્રે ભારત આજે દુનિયાના ટોપ ત્રણ દેશોમાં આવી ગયો છે. તેની વિગતો આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, શિપિંગ માટે ૧૦૦ રોજગાર ઉભા થાય છે, તો તેની સાથે જોડાયેલા ઉદ્યોગમાં ૬૦૦ રોજગાર ઉભા થાય છે. તે સામુદ્રિક ક્ષેત્રની મલ્ટિપ્લાયર ઇફેક્ટ છે. ભારતમાં નિપૂણ રોજગારીના સર્જન માટે આઇ.ટી.આઇ., મેરિટાઇમ યુનિવર્સિટી થી લઇને નેવી અને એન.સી.સી. સુધી નવી વ્યવસ્થા ઉભી કરી છે. ૧૧ વર્ષમાં પોર્ટ કેપેસિટી ડબલ કરી છે. શીપ ટર્નઆઉટ ટાઇમ એક દિવસથી ઓછો થયો છે. કેરળમાં ડિપ વોટર કન્ટેઇનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શરૂ થયું છે. ૭૫,૦૦૦ કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં પોર્ટ બની રહ્યું છે. દેશમાં નાવિકોની સંખ્યા એક દશકમાં ૧.૨૫ લાખથી વધીને ૩ લાખ થઇ છે. તેના દ્વારા ભારતનો સામુદ્રિક હિસ્સેદારીમાં ત્રણ ગણો વધારો કરવો છે તેમની ભૂમિકા તેમણે આપી હતી. 

ભારત અદભૂત સામૃદ્રિક વારસો ધરાવે છે. લોથલ તેનું મોટું ઉદાહરણ છે. લોથલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ બની રહ્યું છે. તે ભારતની સામુદ્રિક વિરાસત – ધરોહરને ભવિષ્યની પેઢી સુધી ભારતના સામર્થ્યને દર્શાવવાનું માધ્યમ બની રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.  

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યમાં એક જ દિવસમાં રૂ.33,600 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે લોકોના મનમાં અપૂરતા સંસાધનો સાથે આ રાજ્ય કઈ રીતે આગળ વધશે તે અંગે શંકા હતી, પરંતુ 2001 થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની ધૂરા સંભાળી ત્યારથી ગુજરાતે ન માત્ર વિકાસની રાહે હરણફાળ ભરી છે, પરંતુ સમગ્ર દેશનું રોલ મોડલ પણ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમય સાથે કદમ મિલાવી આગવી કૂનેહથી રાજ્યના દરિયાકિનારાઓને વિકસિત કરવાનું કાર્ય આરંભ્યુ છે. 21મી સદીના બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી તેમણે દરિયાઈ સંસ્કૃતિને જીવંત કરવાનું વિઝન આપ્યું છે, જેનો સીધો લાભ ગુજરાતને મળ્યો છે.

આ પ્રયાસોને કારણે બંદરોની નજીકમાં નવા ઉદ્યોગોનું નિર્માણ થયું છે. આયાત-નિકાસની સુવિધાઓ વધી છે. ખાનગી રોકાણ પણ આકર્ષાયું છે. અભિનવ પોર્ટ નીતિ અને શિપ બિલ્ડિંગ જેવી નીતિઓને લીધે આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે શિપ બિલ્ડિંગ અને શિપ રિ-સાયકલિંગ જેવાં ક્ષેત્રો પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વિકસિત થયા છે. આજે રાજ્યમાં એલ.એન.જી. તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે અને રોડ, રેલ તથા લોજિસ્ટિક કનેક્ટિવિટી પણ સુધરી છે.

પર્યાવરણના રક્ષણ અને સંતુલિત વિકાસના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીએ પરંપરાગત ઉર્જાને પ્રાધાન્ય આપ્યું છે. જેના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલી આ શરૂઆત આજે દેશના સૌથી મોટા કચ્છ રિન્યૂએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરી છે. ગુજરાત આજે 60% થી વધુ રિન્યૂએબલ એનર્જીનું ઉત્પાદન કરે છે. પવન ઉર્જા તથા રૂફટોપ સોલારમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત, ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી રહી છે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રણોત્સવને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર ધોરડોમાં આજે 100% રહેણાંક વીજ જોડાણોનું સોલરાઈઝેશન થઈ રહ્યું છે. આજે લોકાર્પિત થનારા વિકાસ કાર્યો થકી ગુજરાત ‘ઈઝ ઓફ લિવિંગ’નું કેન્દ્ર બનવાની સાથે નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બની રહ્યું છે. 

અંતમાં, મુખ્યમંત્રીશ્રીએ આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનો અપનાવીને વડાપ્રધાનશ્રીના ‘લોકલ ફોર વોકલ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા લોકોને આહવાન કર્યું હતું.

કેન્દ્રીય શિપિંગ, પોર્ટ અને વોટરવેઝ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે સ્વાગત પ્રવચનમાં ગુજરાતની પાવન ભૂમિને વંદન કરી જણાવ્યું કે, ગુજરાતની ભૂમિએ મહાન સપૂતો આપ્યાં છે. તેમણે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા દેશનો દરેક ખૂણો જળ આધારિત પરિવહનથી જોડાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીના “સૌનો સાથ, સૌનો વિકાસ”નાં મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યાં છીએ. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની મોટી અર્થ વ્યવસ્થા બની ચૂકી છે. રિફોર્મ, ટ્રાન્સફરથી શિપિંગ ક્ષેત્રમાં અદભૂત પરિવર્તન આવ્યું છે. આજે મેરિટાઈમ ક્ષેત્રમાં રોકાણની તકો વધી છે. “વિકાસ ભી, વિરાસત ભી” ની નેમ સાથે આપણે આગળ વધવું છે.

આ પ્રસંગે શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુર, અન્ન અને નાગરિક પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મત્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ સર્વશ્રી સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી,  શંભુપ્રસાદ ટૂંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, ડો.પ્રદ્યુમન વાજા સહિતના સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રૈયાબેન મીયાણી, પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લાના અગ્રણીઓ સર્વશ્રી દિગ્વીજયસિંહ ગોહિલ, કુમારભાઇ શાહ, રાજુભાઇ રાબડીયા, રાજીવભાઇ પંડ્યા, પદાધિકારીઓ-અધિકારીઓ, રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તથા ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.