Bharuch: ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગત રાતથી ધરણા પર બેઠા છે. ગત આખી રાત તેઓ કામદારો સાથે બેઠા અને અને એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ગેટ પર સ્થાનિક કામદારો સાથે મજબૂર થઈને હવે ધરણા પ્રદર્શન પર બેસવું પડ્યું છે. આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડીસ્પ્યુટ એક્ટ 1947 મુજબ, મિનિમમ વેજ 1948 મુજબ અને સેલેરી બોનસ 1953 મુજબ પગાર સ્લીપ આપવામાં આવી નથી, પીએફ બુક આપવામાં આવી નથી અને કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટનો વધારો પણ આપવામાં આવતો નથી.
એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવે છે પરંતુ આ વિસ્તારમાં કંપનીઓ માત્રને માત્ર શ્રમિક તરીકે શોષણ કરે છે. શરૂઆતમાં કંપનીમાં 100 ટનનું પ્રોડક્શન હતું અને આજે 1200 ટનનું પ્રોડક્શન છે તો આ કર્મચારીઓએ આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે. આ કંપની એટલો ગ્રોથ કરી રહી છે કે બાજુમાં બીજો પ્લાન્ટ પણ નાખવા જઈ રહી છે પરંતુ બાર વર્ષના કર્મચારીને આજ દિન સુધી પગાર વધારો મળ્યો નથી, મેડીક્લેમ મળ્યું નથી, પીએફ એડ કરવામાં આવ્યું નથી, પગાર સ્લીપ મળી નથી. આવી જ રીતે બહારથી આવેલી કંપનીઓ આવી વિસ્તારમાં શોષણ કરતી હોય છે. લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, પગાર વધારો મળે, કર્મચારીઓને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, આ માંગણીઓ સાથે અમે ધરણા પર બેઠા છીએ.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આ જ પ્રકારે બીજી ઘણી કંપનીઓમાં લોકો સાથે અન્યાય થાય છે તો એ લોકોને હું કહેવા માગું છું કે આજે અમે શાંતિથી નાઈટ્રેકસ કેમિકલ પ્રાઇવેટ કંપનીના ગેટ પર બેઠા છીએ તો આ લોકોને સહકાર આપવા માટે આપ સહુ અહીંયા પધારો કારણ કે આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારા ધોરણ પ્રમાણે પગાર ધોરણ નથી આપતી અને અન્ય લાભો નથી આપતી તો આવનારા દિવસોમાં આ લોકો પણ તમારા સમર્થનમાં આવશે અને અમે પણ તમારા સમર્થનમાં આવીશું. આજના ધરણાના કાર્યક્રમમાં અમે 100 લોકો બેઠા છીએ અને આવનારા સમયમાં એક દિવસ, બે દિવસ કે અઠવાડિયું બેસવું પડે તો પણ અમે બેસવા માટે તૈયાર છીએ.
વાલીયા, ઝઘડિયા, અંકલેશ્વર, દહેજ સહિત આસપાસના તમામ વિસ્તારના લોકોને હું વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે અને આ જીઆઇડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે. તો આપ તમામ લોકો પોતાનો એક-એક દિવસ આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને, તમામ વિસ્તારની તમામ જીઆઇડીસીમાં સમાન કામ અને સમાન વેતનનો ધારો લગાડાવીએ. જે લોકો બહારથી આવે છે એમને તરત જ પરમિટન કરવામાં આવે છે અને જે લોકોએ પોતાની જમીન આપે છે એ લોકોને પરમિશન કરવામાં આવતા નથી તો એ દિશા તરફ પણ આપણે માંગણીઓ લઈને આગળ વધવાનું છે. તો આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે અને આપણે તમામ લોકો સાથે મળીને ન્યાય માટે માંગણી કરીએ એવી વિનંતી.





