Bharuch: ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે આજે સવારે અંકલેશ્વર-વાલીયા રોડ પર કોસમડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. માહિતી મુજબ, મોટરસાઇકલ અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ, જેના કારણે રિક્ષામાં બેઠેલી એક મહિલાનું મોત નીપજ્યું.

આ અકસ્માત ક્યાં થયો?

કોસમડી ગામ નજીક આ અકસ્માત થયો. ટક્કર એટલી ભયંકર હતી કે તરત જ આગ લાગી ગઈ. આગ એટલી તીવ્ર હતી કે રિક્ષામાં બેઠેલી એક મહિલાને વાહનમાંથી બહાર નીકળવાની તક મળી નહીં અને તે ઘટનાસ્થળે જ બળીને ખાખ થઈ ગઈ.

4ની હાલત ગંભીર

આ દર્દનાક અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની જાણ જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માત અને આગને કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.