Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન બે અલગ અલગ દુર્ઘટનાઓ બની છે. એક ઘટનામાં નિર્દોષ બાળકીનું મોત થયું છે, જ્યારે બીજી ઘટનામાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ખુશીના માહોલમાં શરૂ થયેલી ઉજવણી ક્ષણોમાં જ દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.
ડીજે ટેમ્પો બન્યો અકસ્માતનું કારણ
અંકલેશ્વરના ગડખોલ ગામે હરિકૃપા સોસાયટીમાં ગણેશ આગમન યાત્રા યોજાઈ હતી. ડીજેના ટેમ્પાની પાછળ બાળકો નાચી રહ્યા હતા ત્યારે ટેમ્પો અચાનક રિવર્સ થયો હતો. આ દરમિયાન પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવિણસિંહ સહિતના બાળકો તેની ઝપેટમાં આવ્યા હતા. નવ્યાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું, જ્યારે દિયાન, જનક અને કૃષ્ણા નામના બાળકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.
માહિતી અનુસાર ટેમ્પો ચલાવવાનો જવાબદાર રાકેશે સ્ટિયરિંગ સોસાયટીના ચિરાગ વ્યાસને આપ્યું હતું. ચિરાગે કાબૂ ગુમાવતા દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આખલાના હુમલાથી 8 થી વધુ ઘાયલ
અંકલેશ્વર જીઆઈડીસીના સીઓપી-7 ગ્રુપની આગમન યાત્રા દરમિયાન બીજી દુર્ઘટના બની હતી. ડીજેના અવાજથી ભડકેલો આખલો અચાનક યાત્રામાં ઘૂસી આવ્યો હતો. આખલાએ 8 થી 10 લોકોને અડફેટે લીધા હતા, જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાથી યાત્રામાં ભાગદોડ મચી હતી. ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ દુર્ઘટનાએ ઉત્સવની શરૂઆતમાં જ શોક છવાવ્યો છે.
નવસારીમાં કરંટથી બેના મોત
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં સોમવારે બીજી મોટી દુર્ઘટના બની હતી. ગણેશ મૂર્તિ લાવતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરાઈ રહી હતી, ત્યારે 7 લોકો કરંટની ઝપેટમાં આવ્યા હતા. જેમાં બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
લાયક નોંધનીય છે કે, નવસારીમાં એ જ દિવસે પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાયા બાદ મોત થયું હતું, જ્યારે એક સગીરનું ડીજે પરથી પટકાવાથી મોત થયું હતું. આમ, એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ ચાર લોકોના મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો
- Gujarat: નવરાત્રિ પહેલા ભારે વરસાદની આગાહી, ખેલૈયાઓ અને તંત્રમાં એલર્ટ
- Green gujarat: ગ્રીન ગુજરાત પર ફોકસ: VGRC કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન
- Ahmedabad: ટ્રમ્પના નવા ટેરિફના ઝટકાથી આજે પરથી અમેરિકામાં પડદા, બેડશીટ્સ અને રેડીમેડ કપડાની નિકાસ ઠપ
- Bharuch: અંકલેશ્વરમાં બાપ્પાની આગમન યાત્રા દુર્ઘટનામાં ફેરવાઈ: એકનો કરુણ મોત, 12થી વધુ ઘાયલ
- Vadodara: બપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓનું જાહેરમાં સરઘસ, આરોપીઓએ હાથ જોડીને માગી માફી