Banaskantha: જીવદયાની પ્રેરાઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૨૨ પાંજરાપોળ અને ૧૮૮ ગૌશાળાઓના  કુલ ૮૪,૮૩૬ પશુઓને પ્રતિ પશુ દૈનિક રૂ. ૩૦ લેખે કુલ રૂ. ૮૭.૬૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, પશુઓના નિભાવ માટે આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૨માં ‘મા’ અંબાના ધામ અંબાજી ખાતેથી આ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે સંસ્થાએ મુંબઈ પબ્લિક ટ્રસ્ટ તેમજ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ હેઠળ તા. ૩૧ માર્ચ-૨૦૨૨ પહેલાં નોંધણી કરાવી હોય તે સંસ્થાને આર્થિક સહાય -યોજનાનો લાભ મળે છે. જેમાં, સંસ્થાએ નોંધણી પ્રમાણપત્ર તેમજ આ અંગે પશુધન માટે યોગ્ય વ્યવસ્થા કરવાની હોય છે તેમ, મંત્રીશ્રી રાઘવજીએ ગૃહમાં ઉમેર્યું હતું.