Banaskantha: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ રહ્યો. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આવનારી 10મી ઑક્ટોબરે યોજાનારી આ ચૂંટણી બિનહરીફ રહેવાની સંભાવના ઓછી છે, કારણ કે દિગ્ગજ નેતાઓએ મેદાનમાં કૂદકો મારતા જ હરીફાઈ વધુ તીવ્ર બની ગઈ છે.

દિગ્ગજોએ ભરી ઉમેદવારી

છેલ્લા બે દિવસથી અનેક મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. તેમાં પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલનો સમાવેશ થાય છે. આ નેતાઓની એન્ટ્રીથી બનાસ ડેરીની ચૂંટણીમાં રાજકીય રસાકસી અને ઘર્ષણ વધવાની પૂરી સંભાવના છે.

શંકર ચૌધરી – અમિત શાહની મુલાકાત ચર્ચામાં

બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરી આજે સુરત પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મુલાકાત લીધી. આ બેઠકને બનાસ ડેરીની ચૂંટણી સાથે સીધી રીતે જોડીને જોવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ મુલાકાત દરમ્યાન ચૂંટણીની રણનીતિ અને ઉમેદવારી અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોઈ શકે છે.

બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું

બનાસ ડેરીની ચૂંટણીને કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. એક તરફ શંકર ચૌધરીનું જૂથ મજબૂતાઈથી ઉભું છે, તો બીજી તરફ તેમના વિરોધીઓએ પણ સંગઠિત રીતે મોરચો ખડક્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ચૂંટણીમાં ભારે ચડતરા દ્રશ્યો જોવા મળશે અને સભાસદો તથા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચૂંટણીનો કાર્યક્રમ

  • ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય : 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર
  • ઉમેદવારી પત્રોની ચકાસણી : 23 સપ્ટેમ્બર
  • માન્ય ઉમેદવારી પત્રોની યાદી : 24 સપ્ટેમ્બર
  • ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ : 29 સપ્ટેમ્બર
  • હરીફ ઉમેદવારોની આખરી યાદી : 30 સપ્ટેમ્બર
  • મતદાન : 10 ઑક્ટોબર
  • મતગણતરી : 11 ઑક્ટોબર

આ વખતે બનાસ ડેરીની ચૂંટણી માત્ર સહકારી સંસ્થા સુધી સીમિત નથી રહી, પરંતુ તે ગુજરાતના રાજકારણમાં કેન્દ્રસ્થાને આવી ગઈ છે. કોણ બાજી મારે છે તે જાણવા માટે હવે સૌની નજર 10મી ઑક્ટોબરે યોજાનારા મતદાન અને 11મી ઑક્ટોબરની મતગણતરી પર ટકેલી છે.

આ પણ વાંચો