Banaskantha: શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. “આસ્થા તમારી, વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે જિલ્લા કલેકટર શ્રી વ.આરસુરી તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો હતો. આજથી શરૂ થયેલો આ સાત દિવસીય મહોત્સવ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. શ્રદ્ધા અને ભક્તિનો આ મેળો “મિની કુંભ” સમાન ગણાય છે.

રથયાત્રા સાથે પ્રારંભ

દાંતા રોડ પર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજા કરી ભક્તિભાવ સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી. કલેકટર સહિત મહાનુભાવોએ રથ ખેંચતા જ બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. કલેકટર મિહિર પટેલે માઇભક્તોને આવકારતાં પ્રાર્થના કરી હતી કે મા અંબા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ પૂર્ણ થાય. પ્રથમ જ દિવસે અનેક સેવા કેમ્પો શરૂ થઈ ગયા છે. સાથે જ કલેકટરશ્રીએ બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ જેવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

સુરક્ષા અને સુવિધા માટે કડક આયોજન

મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરઝા, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સાત દિવસીય મહોત્સવ દરમિયાન લાખો ભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તિભાવથી સરબોર મેળો

સાત દિવસ સુધી યાત્રાધામ તરફ જતા માર્ગો પર “બોલ મારી અંબે, જય જય અંબે”ના ઘોષ સાથે માઇભક્તોની ભીડ ઉમટશે. રસ્તાઓ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા કરાયા છે જેથી કોઈ ભક્તને તકલીફ ન પડે. આ મેળો મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવાનો પ્રસંગ છે, જેના માટે દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચશે. આ ભક્તિભાવના મહોત્સવને સુખદ અને નિર્વિઘ્ન બનાવવા વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

આ પણ વાંચો