Patan: કુદરતનો ચમત્કાર કહીએ કે તબીબોની કર્તવ્યનિષ્ઠા , આ બંનેના સંકલનથી ધારપુર ખાતે મોતના મુખમાંથી એક બાળક પાછું આવ્યું છે અને 75 દિવસ બાદ તેનો પુનર્જન્મ થયો !
ધારપુર ફક્ત 790 ગ્રામ વજન સાથે અકાળે જન્મેલા બાળકની ધારપુર મેડિકલ કોલેજ-હોસ્પિટલે અઢી મહિનાની સઘન સારવાર કરીને તેને નવજીવન આપ્યું છે.આ સંપૂર્ણ સારવાર નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં નિઃશુલ્ક આપવામાં આવી હતી. ધારપુરના પીનાબેન મોદીને તા. ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ સાતમા મહિને અધૂરા માસે પ્રસુતિ થઈ હતી. બાળકનું વજન અતિ ઓછું હોવાથી અને તેનાં ફેફસાં કાચાં હોવાથી તેને શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ હતી. તદ્ઉપરાંત તે હાયપોથર્મિયા (શરીરનું તાપમાન ઘટવું) જેવી ગંભીર સમસ્યાઓથી પીડિત હતું.આવી પરિસ્થિતિ વચ્ચે પરિવારજનોએ તો આશા છોડી દીધી હતી. પરંતુ આ તો તબીબો કહેવાય જે છેલ્લા શ્વાસ સુધી દર્દીને જીવંત રાખવા માટે લડત આપે અને અહીં કંઇક એવું જ બન્યું.
પાટણ ખાતેની ધારપુર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. નેહા શર્માએ જણાવ્યું, “આ કેસ અત્યંત પડકારજનક હતો, કારણ કે બાળકનું વજન ખૂબ જ ઓછું હતું અને તેને અકાળે જન્મ લેવાના કારણે અનેક જટિલતાઓ હતી. બાળકને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ, શ્વાસ લેવાનું ભૂલી જવાની સમસ્યા માટે વિશેષ ઇન્જેક્શનો,અને પાંડુરોગ (એનીમિયા) તેમજ દૂધના અપચાની સઘન સારવાર આપવામાં આવી. અમે બાળકના શરીરને હૂંફ આપવા માટે વહેલી તકે કાંગારૂ મધર કેર (KMC) પણ શરૂ કરી હતી.”
અઢી મહિના સુધી સતત દેખરેખ અને સઘન સારવારના અંતે, બાળકનું વજન વધીને ૧.૫ કિલોગ્રામ થયું. બાળક ચેપમુક્ત અને સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી સફળતાપૂર્વક રજા આપવામાં આવી. આ કેસ સાર્વજનિક આરોગ્ય પ્રણાલીની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે…
સંપૂર્ણ મફત સારવાર અપાઈ
બાળકના વાલીઓ અત્યંત ગરીબ હોવાથી આ પ્રકારની પરિસ્થિતિમાં બાળકને સઘન અને શ્રેષ્ઠ સારવાર આપવી એ સ્વપ્ન સમાન અને પડકારજનક બની રહી હતી. પરંતુ સરકારની વિવિધ યોજનાઓના પગલે ધારપુર હોસ્પિટલે અઢી મહિનાની આ જીવનરક્ષક સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી.
આ સ્તરની ગંભીર અને લાંબા ગાળાની NICU સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આશરે ₹6 થી ₹7 લાખ જેટલો થયો હોત પરંતુ સરકારના આરોગ્ય વિભાગે વિનામૂલ્યે નવજાતનું જીવન બચાવવા બનતી બધી મહેનતો કરીને નવજીવન બક્ષ્યું છે.
સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પારુલ શર્મા અને ધારપુર કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહ એ જણાવ્યું, “આ સફળ પરિણામ અમારા ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફના સમર્પણ અને નિપુણતાનો પુરાવો છે. તે દર્શાવે છે કે સરકારી મેડિકલ કોલેજો સમાજના દરેક વર્ગને, ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને, અદ્યતન અને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”
બાળકના માતા-પિતા અને સગાં-વહાલાઓએ જીવન બચાવવાના આ પ્રયાસ બદલ સમગ્ર મેડિકલ અને હોસ્પિટલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.