Gujarat News: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ ઝડપાઈ છે. ઓપરેશન દરમિયાન 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરવામાં આવેલા આ ઓપરેશનમાં ICGએ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા.
કોસ્ટગાર્ડ અને ATSની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. ફિલ્મી સ્ટાઈલમાં કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરીને પકડી લીધી હતી. આ બોટને 13 એપ્રિલની રાત્રે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઇ વિસ્તારમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પાસે અટકાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી 300 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા છે. બોટની રાષ્ટ્રીયતા અને ક્રૂની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે શેર કરવામાં આવી નથી.
તસ્કરો સામાન ફેંકી દેવા લાગ્યા હતા
સૂત્રોએ જણાવ્યું કે કોસ્ટ ગાર્ડ જહાજને જોઈને દાણચોરોએ પ્રતિબંધિત વસ્તુઓ ફેંકી દીધી અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ રેખા પાર કરી ભાગી ગયા. અધિકારીઓએ સમુદ્રમાંથી તમામ સામાન પરત મેળવી લીધો છે. તેને વધુ તપાસ માટે એટીએસને સોંપવામાં આવ્યો હતો.
ગુજરાત બની ગયું છે ડ્રગ્સની દાણચોરીનું પ્રવેશદ્વાર
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટે મુખ્ય માર્ગ બની ગયા છે. તાજેતરના વર્ષોમાં, ICG અને ATSએ અનેક સંયુક્ત ઓપરેશનમાં મોટી માત્રામાં માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. ગયા વર્ષે, એપ્રિલ 2024 માં, ICGએ પોરબંદર દરિયાકાંઠે એક પાકિસ્તાની બોટમાંથી 86 કિલો ડ્રગ્સ (કિંમત રૂ. 600 કરોડ) જપ્ત કરી હતી અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યોની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી 2024 માં, ભારતીય નૌકાદળ અને NCBએ પોરબંદર નજીક 3300 કિલો ડ્રગ્સ (3089 કિલોગ્રામ હાશિશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન) જપ્ત કર્યું હતું. તેમની કિંમત 1300 થી 2000 કરોડ રૂપિયા હતી.