Sagar Rabari News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ખેડૂતો માટે હેકટરે 22,000 અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદાનું 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ખેતરોમાં કોઈ ખેડૂતો એમના ગુણગાન ગાય તેમ નથી કારણ કે ખેડૂતોના ભાગે જે રકમ આવવાની છે તેની ગણતરી કરીને હવે ખેડૂતોને વધારે ગુસ્સો આવે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો વખાણ કરે તેમ નથી. માટે જાતે પોતાના વખાણ કરવા માટે સરકારે એક અભિયાન હાથ ધર્યું છે. મારા જાણવામાં આવ્યું છે કે સરકાર એક તૈયાર કરેલી પ્રેસ નોટ તમામ જિલ્લાઓમાં મોકલી રહી છે અને સરકારના જે મળતીયા છે જેઓ સહકારી આગેવાનો છે મંડળીના ચેરમેનો અને સેક્રેટરીઓ છે કે પછી કહેવાતા ખેડૂત નેતાઓ છે, એવા લોકો પાસે ભાજપ સરકારનું “ઐતિહાસિક પેકેજ” ના ગુણગાન ગાતા હોય તેવા વિડિયો બનાવડાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યું છે.

જે પણ લોકો આ વિડીયો બનાવવા માંગતા હોય તે લોકો પહેલા એક હકીકત પર નજર કરી લે કે સરકારે એક હેક્ટરે 22000 રૂપિયા જાહેર કર્યા છે, આતો અંધેરી નગરી અને ચોપટ રાજા જેવો ઘાટ છે. મગફળીનો વાવેતરનો ખર્ચ વીઘે 17000થી 18000નો આવે છે. 6.25એ એનો ગુણાકાર કરો તો એક હેક્ટર મગફળીનો વાવણીથી લઈને ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ 1,06,250 થાય છે. કેલ્ક્યુલેટર લઈને જાતે ગણી શકાય છે કે કેટલી ખેડ થાય છે, રોટાવેટર ચાલે છે, વાવણી થાય છે, સમાર દેવાય છે, ડીએપી નખાય છે, કયા ભાવનું બિયારણ નખાય છે, એના પછી નિંદામણ નાશક, બીજી દવાઓ, યુરિયા ખાતર, અને છેલ્લે ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ 1,06,250 રૂપિયા થઈ રહ્યો છે, અને તેની સામે ખેડૂતોને તમે ફક્ત 22000 રૂપિયા આપવાના છો તો મારો સવાલ છે કે તમે કયા મોઢે પોતાના ગુણગાન ગવડાવવા માંગો છો? લાજવાની વાત છે ત્યાં તમે ગાજવા નીકળ્યા છો.

10,000 કરોડનો આંકડો મોટો દેખાય છે કારણ કે હકીકતમાં મોટા વિસ્તારમાં નુકસાન થયું છે. કુલ 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. નાની રકમનો મોટી રકમ સાથે ગુણાકાર કરો તો જવાબ મોટો જ આવવાનો છે. 10,000 કરોડનું પેકેજ કોઈ ઐતિહાસિક પેકેજ નથી. ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ છે, આમાં તમે ખેતીનું બજેટ કેટલું ફાળવ્યો? એમાં આ 10,000 કરોડ રૂપિયા ક્યાં ઊભા રહે છે? તમારા આંકડાઓની માયાજાળને બાજુમાં મૂકીને જોઈએ તો એક વીઘામાં જે ખેડૂતે 17,000નો ખર્ચો કર્યો છે તેને ફક્ત 3,709 રૂપિયા આપવાના છે, આવી રકમ મેળવીને કોણ તમારા ગુણગાન ગાય?

જે સહકારી આગેવાનો અને મંડળીઓના આગેવાનોની ગામમાં જે કાંઈ પણ પ્રતિષ્ઠા છે એને હાની ન પહોંચે અને લોકો એમની ટીકા ન કરે અને ખેડૂતો એમના પર માછલા ન ધુએ એટલા માટે એમણે કોઈ પણ પ્રકારનો સરકારી ગુણગાન ગાતો વિડીયો બનાવતા પહેલા ખેડૂતને વાસ્તવિક સ્થિતિ ખેતરમાં જઈને જોઈ લેવી જોઈએ. ખેડૂતને કેટલો ખર્ચ થયો છે અને સરકાર કેટલું વળતર આપી રહી છે એનું પાકો હિસાબ કાઢીને પછી જ ગુણગાન ગાજો. માટે જે પણ આગેવાનો આ કામમાં પડવા માંગતા હોય એમને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમને ગમે એ કરજો, આંકડાઓનો હિસાબ કરી લેજો અને પછી તમારો અંતરઆત્મા કહે તો જ તમે વિડીયો બનાવજો.