આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર અને Surat મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ એક ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરત શહેરના ઘોડાદ્રા વિસ્તારમાં રહેતી એક માસુમ દિકરીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે દીકરીના પરિવારે જણાવ્યું તે અનુસાર તે દીકરીને શાળામાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે દીકરીની ફી ભરાઈ ન હતી તેના કારણે તેને બે દિવસ ટોયલેટની બહાર ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ એ દીકરીને પરીક્ષા પણ ન આપવા દીધી. આ રીતે અનેકવાર તેને માનસિક ટોર્ચર કરવામાં આવી જેના કારણે અંતે તે માસુમ દિકરીએ આત્મહત્યા કરી લીધી.

આપણે બાળકના ભવિષ્ય માટે અને દેશના ભવિષ્ય માટેની વાત કરીને બાળકને શાળામાં મોકલતા હોઈએ છીએ, પરંતુ આપણા બાળકો આજે શાળામાં સુરક્ષિત નથી અને શાળામાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. તો આમ આદમી પાર્ટીની આ મુદ્દે માંગણી છે કે આ ગંભીર મુદ્દા પર કાયદેસરની કાર્યવાહી થાય, ઊંડી તપાસ થાય અને શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય. અને સાથે સાથે જે પણ વ્યક્તિ આ દીકરીની આત્મહત્યા પાછળ જવાબદાર છે તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે. જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એક ઉદાહરણ બેસાડવામાં આવે જેના કારણે ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ કોઈ બાળકને આ રીતે ત્રાસ આપવાનું કોઈ વિચારે પણ નહીં. જો ખાલી દેખાવ પૂર્તિ કાર્યવાહી કરવામાં આવશે તો આ રીતની ઘટનાઓને વધવામાં વાર નહીં લાગે.