ભારતના બંધારણનાં ધડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કરવાના મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના એસસી સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ અમદાવાદમાં ગૃહમંત્રી Amit Shah વિરૂદ્ધ ગુનો નોંધવા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે હાલમાં ભારતની સંસદનું સત્ર ચાલી રહેલ છે અને સંસદમાં અત્યારે સંવિધાનનો 129મો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજુ કરવામાં આવ્યો છે. તેની ચર્ચા દરમિયાન ગઈકાલે ગૃહમંત્રી Amit Shah દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહૂદી ટીપ્પણી કરીને બાબાસાહેબનું અપમાન કરેલ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ-ધર્મની જનતાનાં મનમાં સમ્માનપૂર્ણ સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આદર્શ છે. વધુમાં બાબાસાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળનાં કારણે કરોડો દલિતો – વંચિતોને આભડછેટનાં સદીઓથી જુના અભિશાપથી મુક્તિ મળી હોવાના કારણે ડૉ. આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે.

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય, નિંદનીય, નિમ્ન અને બેહૂદા નિવેદનના કારણે તમામ જનતામાં રોષ ફેલાયેલ છે, તેમજ બાબાસાહેબને ભગવાન માનનાર દલિત સમાજની લાગણી દુભાયેલ છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ વિશે ખરાબ ટિપ્પણી કરવી તે ગુનો બને છે. આથી ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે બેહૂદી ટિપ્પણી કરીને, બાબાસાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરૂદ્ધમાં એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(ટી) મુજબ ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી તરફથી માંગણી છે.