Ahmedabad એકતરફ સેંકડો યુવાનો રોજગારી માટે રાહમાં છે, હોસ્પિટલમાં પૂરતા સ્ટાફને અભાવે દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી કિડની હોસ્પિટલમાં ભરતી માટે પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં દોઢ વર્ષથી ભરતી નહીં કરાતા વિવાદ સર્જાયો છે.

Ahmedabad: ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂરી કરવાની માગ કરી તો ઉદ્ધત જવાબ આપી તગેડી મૂક્યાનો આક્ષેપ ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી) ખાતે દોઢ વર્ષ વીતી જવા જતાં ભરતી નહીં કરાતા ઉમેદવારોએ આજે હોબાળો મચાવ્યો હતો. ઓલ ગુજરાત નર્સિંગ યુનિયને આ મામલેએક યાદીમાં જણાવ્યું છે કે, “આઈકેડીઆરસી દ્વારા એપ્રિલ ૨૦૨૩માં ૧૧૦૦થી વધુ જગ્યા માટે ૩૦ કેડરની જાહેરાત બહાર પડાઈ હતી.

નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૩માં પરીક્ષાનું આયોજન કરાયું હતું અને ફેબ્રુઆરી-માર્ચે ૨૦૨૪માં પરિણામ જાહેર કરાયા હતા. આ પરિણામ બાદ ૩૦ કેડરમાંથી માત્ર બે કેડરને જ હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવાયા છે. બાકીના કેડરની આગળની પ્રક્રિયા માટે કોઈ જ માહિતી અપાઈ નથી. . તમામ કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઝડપથી કરવા તેમજ સ્ટાફ નર્સ કેડરમાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયેલી છે તો તેમને નિમૂક પત્ર આપીને આ તમામ માહિતી આઇકેડીઆરસીની વેબસાઇટમાં જાહેર કરવામાં આવવી જોઈએ.’

પ્રક્રિયા પૂરી થઇ ગઇ હોવા છતાં ભરતી નહીં કરાતા કેટલાક નારાજ ઉમેદવારો બપોરે કિડની હોસ્પિટલના ડિરેક્ટરને મળવા પહોંચ્યા હતા. પરંતુ ભરતી ક્યારે કરાશે તે અંગે સંતોષકારક જવાબ નહીં મળતાં ઉશ્કેરાયેલા ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોચ્ચાર કરી રહેલા આ ઉમેદવારોને કેમ્પસની બહાર તગેડવામાં આવ્યા હતા અને સિક્યુરિટી સ્ટાફે પણ તેમની ઉદ્ધત વર્તન કર્યું હતું. નારાજ થયેલા ઉમેદવારોએ કહ્યું કે, ‘અમે માત્ર અમારા હક માટે ગયા હતા છતાં હોસ્પિટલ મેનેજમેન્ટે અમારી સાથે એવું વર્તન કરાયું જાણે અમે ખૈરાત માગી [રહ્યા હોઈએ.’ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ આઇકેડીઆરસીમાંથી અચાનક જ ૨૦૦થી વધુ કરારબદ્ધ કર્મચારીઓને રાતોરાત હાંકી કઢાતા પણ ભારે વિવાદ થયો હતો.