Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ચકચારભરી ઘટનામાં 14 વર્ષના એક સગીર સાથે લગભગ 16 વર્ષના કિશોર દ્વારા બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આરોપીએ ઘટનાના સમયે તેનું વીડિયો ઉતારી લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને ભોગ બનેલા સગીર પાસેથી રૂપિયા બે હજાર પડાવી લીધા હતા, તેમજ આગળ દસ હજાર આપવાની પણ માગણી કરી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ હતી. હવે આ કેસમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સ્પેશિયલ કોર્ટના જજ મનીષ પ્રદ્યુમન પુરોહિતે દોષિત કિશોરને 20 વર્ષની સજા ફટકારી છે. ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઈ કિશોરને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટે આટલી મોટી સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે. રાજ્ય માટે આ ઐતિહાસિક ચુકાદો ગણવામાં આવી રહ્યો છે.
કોર્ટે ભોગ બનેલા સગીરને “ધ ગુજરાત વિક્ટિમ કોમ્પનસેશન એક્ટ, 2019” હેઠળ અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ લીગલ સત્ત્વસ કમિટી દ્વારા વળતર તરીકે રૂપિયા ચાર લાખ ચૂકવવા પણ આદેશ કર્યો છે. સાથે સાથે દોષિત કિશોરને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આ કેસ દરમિયાન સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ જી.પી. દવેએ અદાલતને જણાવ્યું કે, જાન્યુઆરી-2024માં ખોખરા વિસ્તારમાં 14 વર્ષીય સગીર સ્કૂલેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અમરાઇવાડીમાં રહેતા 16 વર્ષ અને 6 મહિનાના કિશોરે તેને અટકાવ્યો અને ડરાવી ધમકાવી ગાળો આપીને માર માર્યો હતો. બાદમાં તેને મણિનગર રેલવે કોલોની ખાતે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કર્યું હતું. બનાવ બાદ વીડિયો ઉતારી તેની વાયરલ કરવાની ધમકી આપી, રૂપિયા બે હજાર પડાવી અને આગળ દસ હજાર આપવાની પણ માગણી કરી હતી.
ભોગ બનનાર સગીરે પરિવારજનોને ઘટના અંગે જાણ કરતા ખોખરા પોલીસએ 13 જાન્યુઆરી, 2024ના રોજ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ખંડણી, ધમકી, પોક્સો એક્ટ, આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કર્યો હતો. બાદમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો.
સરકારપક્ષે કુલ 12 સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને કેસ પુરવાર કર્યો. તેમણે અદાલતને જણાવ્યું કે, આરોપી કિશોરના ગુનાહિત કૃત્યથી ભોગ બનનાર સગીરના મન પર ખૂબ જ નકારાત્મક અસર પડી છે. સમાજમાં આવા બનાવો બનતા અટકાવવા અને યોગ્ય દાખલો બેસાડવા આરોપી સામે કાયદેસર સજા આપવી જરૂરી છે. અદાલતે સરકારપક્ષની દલીલો સ્વીકારી અને દોષિત કિશોરને 20 વર્ષની સજા ફટકારતો રાજ્યનો પ્રથમ ચુકાદો જાહેર કર્યો.
કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન) એક્ટ મુજબ, દોષિત કિશોરને 21 વર્ષ સુધી ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવશે અને ત્યારબાદ જેલમાં તબદીલ કરવામાં આવશે. દર વર્ષે તેની પ્રગતિ અંગે સંબંધિત પ્રોબેશન ઓફિસર અથવા ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા અદાલતમાં અહેવાલ રજૂ કરવાનો રહેશે. સાથે સાથે તેની સારસંભાળ અને પુનઃસ્થાપન માટે યોજના પણ રજૂ કરવી જરૂરી રહેશે.
આ કેસ દરમિયાન કિશોરના બચાવ પક્ષે અદાલતને જણાવ્યું કે, આરોપી છેલ્લા એક વર્ષ અને આઠ મહિનાથી ઓબ્ઝર્વેશન હોમમાં છે, જ્યાં તે ભણવા, રમવા, ટીવી જોવાની અને યોગા જેવી પ્રવૃત્તિઓ કરે છે. તેની માતા તેની મુલાકાતે આવે છે અને તેની હાલની ઉમર 19 વર્ષની છે. બચાવ પક્ષે દલીલ કરી કે, સજા થાય તો તેનું ભવિષ્ય જોખમમાં મૂકી શકે છે.
પરંતુ અદાલતે સ્પષ્ટ કહ્યું કે, ભોગ બનનાર સગીરના મન પર પડેલી અસર અને તેના માનસિક આઘાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કાયદાના સિદ્ધાંતો અનુસાર દોષિત કિશોરના ગુનાહિત કૃત્યને અવગણી શકાય નહીં. તેથી અદાલતે દોષિત કિશોરને યોગ્ય સજા આપવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો
- Uttar Pradesh: આગ્રામાં અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનાર ભાજપ નેતા સહિત ત્રણ જેલભેગા, અનેક પીડિતોની શંકા
- Valsad: દારૂના નશામાં ધૂત કારચાલકે સર્જી ભયાનક દુર્ઘટના, બે લોકો ઘાયલ, પશુઓના મોત
- Narmada: સરદાર સરોવર ડેમ ભરાવાની આરે, રાજ્યમાં વરસાદથી ખુશીની લહેર
- Junagadh: પૂર્વ ડેપ્યુટી મેયરની હત્યાના આરોપી અશ્વિન કાઠી બિકાનેરથી પકડાયો
- Entertainment: ગેંગરેપ કેસમાં અભિનેતા આશિષ કપૂરને જામીન મળ્યા, દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી મળી રાહત