Ahmedabad: પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ-5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત આવતીકાલે 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવી, સમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવશે.

સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલશ્રીના હસ્તે રૂ. 51 હજારનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.