રાજ્યમાં અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી કે છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે હાલ સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાવટી કંપની બનાવી ઠગ કરવાનો ઘટનાક્રમ વધી ગયો છે. આ વચ્ચે હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અદાણી હેલ્થ વેન્ચર્સના નામની બનાવટી કંપની બહાને લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરનારી ગેંગને ઝડપી પાડી છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અદાણી હેલ્થ વેન્ચર્ચ નામની બનાવટી ફર્મ બનાવીને તેનું માર્કેટિંગ કરી ફાર્મસી ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકોના કરોડો રૂપિયા પડાવનાર ગેંગના ત્રણ આરોપીઓને રાજસ્થાન અને પશ્ચિમ બંગાળથી પકડી પાડવામાં આવ્યાં છે. જેમાથી બે લોકો એટલે કે સોવાન ચોગલે અને શશી સિન્હા હજી પકડથી દૂર છે.
સમગ્ર મામલે અદાણી હેલ્થ વેન્ચર્સ લીમીટેડ કંપનીના મેનેજર નેહા રાજબીહારીએ ફરિયાદ કરી હતી કે, AHVL નામની બનાવટી ફર્મ બનાવી અમારી કંપનીના નામનો લોગો તેમજ કંપનીના CIN નંબરનો ઉપયોગ કરી કંપનીના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી કંપનીના નામે જયપુર તથા કોલકતા ખાતે ઓફિસો ખોલીને અદાણી હેલ્થ વેંચર્સ લીમીટેડ તરફથી ફાર્મસી/ડીસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરાઈ રહી છે. આ ફરિયાદનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો.સાયબર ક્રાઈમ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ ગુનો આચરનાર સૌમ્યજીત ગાંગુલીને રાજસ્થાનથી. રાકેશકુમાર સાવ અને બિપુલ બિસ્વાસને કોલકતાથી સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવ્યાં છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચીને અદાણી હેલ્થ વેન્ચર્સ નામની બનાવટી ફર્મ બનાવીને આ કંપનીના નામનો લોગો તેમજ કંપનીના CIN નંબર નો ઉપયોગ કરી કંપનીના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જયપુર તથા કોલકતા ખાતે ઓફિસો ખોલીને અદાણી હેલ્થ વેન્ચર્સ લીમીટેડ તરફથી ફાર્મસી/ડીસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હતી.
આરોપીઓની પુછપરછ કરતા સૌમ્યજીત ગાંગુલીએ રીજીયોનલ સેલ્સ મેનેજર તરીકે ઓળખાણ આપીને કોલકતા, જયપુર,હરીયાણા ખાતે અલગ અલગ લોકોને ફાર્મસી/ડીસ્ટ્રીબ્યુશનશીપ આપી હતી. રાકેશકુમાર સાવ કોલકતા ખાતે આવેલ કંપનીમાં ફેક આધારકાર્ડ, સીમકાર્ડ તેમજ બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતો હતો.બિપુલ બિસ્વાસ કોલકતા ખાતે આવેલ AHVL કંપનીના પ્રોપરાઈટર હોવાનુ બહાર આવ્યું હતું. આરોપીઓ દ્વારા આ ગુનો કર્યો હોવાની કબુલાત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.