આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી ભાજપના આશીર્વાદથી મેન્ડેટને બળે ચૂંટણી જીતનારા એપીએમસીના સંચાલકોએ હવે કુદરતના મારથી પીડાયેલા ખેડૂતોને લૂંટવાનું શરૂ કર્યું છે. મોટાભાગે મગફળી અને ચોમાસું પાકું નાશ પામ્યા છે, બચેલો થોડો ઘણો માલ લઈને ખેડૂતો જ્યારે એપીએમસીમાં પહોંચે છે ત્યારે ભાજપના પાપે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરેલો, એક મણનો 1356 રૂપિયા 60 પૈસા. ત્યારે ખેડૂતો હિંમતનગરમાં બારસો બાર રૂપિયામાં મગફળી વેચી રહ્યા છે અને ત્યાંથી ફક્ત 47 કિલોમીટર દૂર મોડાસાના એપીએમસી બજારમાં આજે ₹1,000ના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ.

બધી બાજુથી પીડાયેલા ખેડૂતોએ ન છૂટકે દિવાળીના તહેવાર અને પૈસાની તીવ્ર જરૂરિયાત હોવા છતાં ખેડૂતોએ હરાજી રોકી દેવી પડી. ખેડૂતોની કપરી પરિસ્થિતિનો લાભ લઈને 1000 રૂપિયા મણના ભાવે માલ પડાવી લેવાનું વેપારીએ ષડયંત્ર રચ્યું, દલાલો તેમાં સામેલ થયા અને એપીએમસીના જીતેલા હોદ્દેદારો બજારમાંથી ગેરહાજર રહ્યા. માટે ખેડૂતોએ હરાજી જ રોકી દીધી. અમારી માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે. સરકાર આ પ્રક્રિયામાં ઝડપી પગલાં લે અને ખેડૂતોને લૂંટાતો બચાવે તેવી અમારી માંગ છે. અમારી વધુ એક માંગ છે કે મેન્ડેટ આપીને જે લોકોને એપીએમસીમાં બેસાડ્યા છે, તેમના પર થોડી લગામ લગાવવામાં આવે અને તેઓ ખેડૂતની લાચારીનો ગેરલાભ ન લે. કમ સે કમ આફતમાં ફસાયેલા ખેડૂત પર ભાજપ દયા દાખવશે, તેવી અમે આશા રાખીએ છીએ.