Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પાદરાના બ્રિજ તૂટવાની ઘટના પર સરકારના નિર્ણય સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પાદરા વડોદરા બ્રિજની દુર્ઘટનામાં 17 લોકોના મૃત્યુ થયા અને સરકારની ફરીથી એ જ જૂની કેસેટ ચલાવી છે કે મુખ્યમંત્રીએ નાના નાના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા. આ શું થઈ રહ્યું છે. ગુજરાતમાં મૃતકોને ચાર પાંચ લાખની સહાય, ઘાયલોને 50,000ની સહાય અને ચાર-પાંચ નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે શું ફક્ત આટલું જ કામ સરકાર કરશે? સરકાર બીજી કોઈ જવાબદારી લેશે કે નહીં? આટલી ઘટનાઓ વારંવાર ઘટી રહી છે, તેમ છતાં પણ તમારા મંત્રીઓ શું કરે છે? તમારા અધિકારીઓ શું કરે છે? અને તમે પોતે પણ મુખ્યમંત્રી થઈને આ ઘટનાની જવાબદારી લેવા માટે કેમ તૈયાર નથી? દર વખત નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને શા માટે સંતોષ માનો છો? આવી ઘટનાઓ બાદ કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી એટલા માટે આવી ઘટનાઓ અટકતી નથી.
શું આપણે હવે બીજી આવી દુર્ઘટનાની રાહ જોઈશું? શું વારંવાર આ રીતે મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારના લોકો ભોગ બનતા રહેશે? સરકારે જે કાર્યવાહી કરી છે તે પૂરતી નથી માટે અમે સરકારની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડીએ છીએ. હું આશા રાખું છું કે મુખ્યમંત્રી ફરીથી આ દુર્ઘટના પર મીટીંગ કરે અને રીવ્યુ કરે અને જેટલા પણ ગુજરાતના નબળા બ્રિજ છે તેમના સર્વે કરાવે. મારી જાણકારી મુજબ ગુજરાતમાં 200થી વધારે બ્રિજ છે જે નબળી પરિસ્થિતિમાં છે. પરંતુ તમે આ બ્રિજ રીપેર નહીં કરાવો કારણ કે જો તમારા પોતાના ખિસ્સામાં પૈસા જવાના હોય તો તમે કરોડો રૂપિયા ખર્ચ કરાવી દેશો પરંતુ ગરીબો માટે તમે કશું નહીં કરો તે અમને પણ ખબર છે. ગુજરાતની પ્રજા ભોળી છે અને એ તમને મત આપી રહી છે તો તમે કમસેકમ એમનો ભોગ ન લો તેવી મારી વિનંતી છે. પાદરાની બ્રિજ તૂટવાની જે ઘટના ઘટી તેના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે, બીજી અમારી કોઈ માંગ નથી. આ ઘટના બાદ ગુજરાતની જનતામાં ખૂબ જ રોષની લાગણી છે તેને સરકાર સમજે.