ગુજરાતમાં મહિલાઓ ઉપરના વધતાં જતાં અત્યાચારોને રોકવા માટે પગલાં લેવા બાબતે તેમજ આ બાબતે નિષ્ફળ નીવડેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા બાબતે આજે (AAP)આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રદેશના મહિલા નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપાયું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ગર્વોક્તિઓ અને મિથ્યા-અહંકાર કરતી સતત જોવા મળે છે અને પોતાની જાતને ભરોસાની સરકાર કહેવડાવે છે પણ આ જ ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતત ને સતત વધારો જ થતો જાય છે. વર્તમાન ગૃહમંત્રીના શાસનમાં તો અપરાધીઓ બેફામ બન્યા છે.
છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે. દાહોદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને હવે ભાયલી (વડોદરા)માં 16 વર્ષની એક માસુમ દિકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓને કારણે ગુજરાતની દિકરીઓ-મહિલાઓ ખુબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે ત્યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ, એને બદલે ગૃહમંત્રી ફાંકા-ફોજદારી, ફાલતું નિવેદનો અને રીલ બનાવવામાં વ્યસ્ત છે. આ પરિસ્થિતિમાં ગુજરાતની મહિલાઓએ શું કરવું? આથી ગુજરાતના તમામ પરિવારો વતી અમારી એ માંગણી છે કે ગુજરાતની કાયદા-વ્યવસ્થાની સ્થિતિને તાત્કાલિક સુધારીને મહિલાઓને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવે અને આવી કથળેલી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે.