AAP News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ આમ આદમી પાર્ટી(AAP)એ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત શરૂ કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. ગતરોજ આવનારી સ્થાનિક સ્વરાજની અને 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી સોરઠીયાની આગેવાનીમાં મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી હતી. વિસાવદર નગરપાલિકામાં વોર્ડ નંબર 1,2,3,4,5 અને 6માં વોર્ડ પ્રભારી, વોર્ડ સહ પ્રભારીની નિમણુક કરવામાં આવી. ગઢડા તાલુકાની ગઢડા વિધાનસભાની સીટ પર જનરલ સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી. આ ઉપરાંત વિસાવદર વિધાનસભાની વિવિધ જિલ્લા પંચાયતની સીટ ઉપર પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ કરવામાં આવી હતી. સાથે સાથે વિસાવદર વિધાનસભામાં આવતી જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ, વિસાવદરમાં વિવિધ તાલુકા પંચાયતની સીટ ઉપર પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ કરવામાં આવી હતી.

હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ક્ષમતા અનુસાર લોકોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીની તમામ પ્રદેશ કક્ષાએથી લઈને રાષ્ટ્રીય કક્ષાના આગેવાનોને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલા નવા લોકો તથા નવા પદાધિકારીઓની સાથે સાથે જુના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરશે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને 2027ની આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે. હાલ દરરોજ હજારોની સંખ્યામાં લોકો AAPમાં જોડાઈ રહ્યા છે અને સામાન્ય લોકોની સાથે સાથે તમામ જાતિ ધર્મ અને સમાજના આગેવાનો સહિત ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓના ઈમાનદાર લોકો પણ આમ આદમી પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે. આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે.