AAP Gopal Italia : ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના વોટ લઈને ધારાસભ્ય બન્યો છું માટે ખેડૂતો પ્રત્યે મારી ખૂબ જ સંવેદનાઓ છે. મારા જાણ્યા પ્રમાણે હડદડ ગામમાં પોલીસે જે પણ નુકસાન કર્યું છે, ઘરમાં ઘૂસીને તોડફોડ કરી છે, જેના કારણે અનેક ઘરોમાં નાનું મોટું નુકસાન લોકોને થયું છે. મધ્યમ વર્ગના ગરીબ કરનાર ખેડૂતોના ઘરમાં આવી ઘટના ઘટે તો તેમના ઘરમાં ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાતી હોય છે તે હું સમજી શકું છું. માટે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મારે હડદડ ગામના ખેડૂતોને ઉપયોગી બનવું જોઈએ. માટે મેં નક્કી કર્યું છે નુકસાની ભોગવી રહેલા લોકોને ઉપયોગી થવા માટે હું મારો એક પગાર ગામવાસીઓને આપીશ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન પૂરું નહીં તો થોડું પરંતુ લોકોને મદદ મળી રહે તે માટે હું મારો પગાર આપીશ.

ગુજરાતભરના અનેક માર્કેટીંગ યાર્ડમાં જબરદસ્ત લૂંટ ચાલી રહી છે. ખેડૂતોનું શોષણ ચાલી રહ્યું છે પરંતુ ખેડૂતો એકલા પડી રહ્યા છે અને ખેડૂતોનું સંગઠન નથી માટે તેમનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓએ મોટા-મોટા નિવેદનો આપ્યા કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ હતી તો મારો સવાલ છે કે જ્યારે ખેડૂત દિવસ રાત મહેનત કરીને પોતાનો પાક માર્કેટ યાર્ડમાં લઈને આવે છે ત્યારે અલગ અલગ રીતના કળદાઓના નામે એ ખેડૂતને લૂંટી લેવામાં આવે છે ત્યારે શું કોઈ કાયદો નથી બગડતો? ભારતીય કળદા પાર્ટીના નેતાઓના ઈશારે જ્યારે ઘરમાં ઘૂસીને મહિલાઓને માર મારવામાં આવે છે ત્યારે શું કાયદો વ્યવસ્થા નથી બગડતી? જો ખરેખર કાયદો અને વ્યવસ્થા ખેડૂતો માટે હોત તો જે સમયે ખેડૂતો જ્યારે આંદોલન કરવા નીકળ્યા હોત તો કોઈ પરિસ્થિતિ બગડી ન હોત. હવે એમને સમજાઈ ગયું છે કે ભારતીય કળદા પાર્ટી કળદાબાજો અને માફિયાઓના સમર્થનમાં છે. અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે જે દિવસે જનતાનો ડર નીકળી ગયો એ પછી તમે જનતાને રોકી શકશો નહીં. માટે ખેડૂતોને અને સામાન્ય જનતાને ડરાવવાની જગ્યાએ તેમને ન્યાય આપો