રાજપીપળાની માં કાલમ ફાઉન્ડેશનની નર્સિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય તેની જાણ થતાં (AAP)આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar vasavaએ રાજપીપળા સ્થિત મહાકાલમ ફાઉન્ડેશનની નર્સિંગ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્સિંગ કોલેજના હોદ્દેદાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તમારી આ કોલેજમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને સરકારી જગ્યામાં લેવામાં આવતા નથી અને અહીંયા ભણેલા વિદ્યાર્થીઓને સરકાર સ્કોલરશીપ પણ આપતી નથી. આ કોલેજના લોકોએ શરૂઆતથી જ સ્પષ્ટતા કરવાની હતી કે અહીંયા અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં અને સરકારી નોકરી પણ નહીં મળે. આ બાળકોના મા-બાપે કાળી મજૂરી કરીને તેમને ભણાવ્યા છે અને આજે આ બાળકોના ચાર વર્ષ બરબાદ થઈ ગયા અને હવે તેમને સ્કોલરશીપ પણ નહીં મળે અને સરકારી નોકરી પણ નહીં મળે. અહીં વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે તેઓની એક્ઝામ પણ નથી આપવા દેવી. પૈસા લઈ લીધા હોવા છતાં પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી.

આવનારા સમયમાં હું કલેક્ટર સામે અને જિલ્લા સંકલન સમિતિ સમક્ષ આ મુદ્દા પર રજૂઆત કરીશ અને એ માહિતી પણ મંગાવીશું કે આ રીતની કેટલી કોલેજો આપણા વિસ્તારમાં ચાલી રહી છે. સૌથી મોટો મુદ્દો એ છે કે આ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશનના સમય પર કોઈપણ પ્રકારની જરૂરી માહિતીઓ આપવામાં આવતી નથી. હજુ એક મહત્વપૂર્ણ સવાલ છે કે આવી ઘણી બધી કોલેજો સરકાર માન્ય છે કે નહીં તે પણ મોટો સવાલ છે. શિક્ષણનું ખાનગીકરણ કર્યું, તેના કારણે આદિવાસી વિસ્તારના ભાઈઓ અને બહેનોનું જીવન અંધકારમય બન્યું છે. ત્રણ-ચાર જગ્યાએ આવી કોલેજોની શાખાઓ ચાલતી હોય છે અને ત્રણ લાખ જેટલી ફી લેવામાં આવતી હોય છે અને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવતા નથી, સર્ટીફીકેટ નથી આપતા, સ્કોલરશીપ પણ નથી આપતા.