Gandhinagar: આમ આદમી પાર્ટીની ટીમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ટાઇફોઇડ વિસ્ફોટના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંભાળ લેવા માટે પહોંચી હતી. ગાંધીનગરમાં દૂષિત પાણીનાં કારણે ટાઇફોઇડનો રાફડો ફાટ્યો છે. જેમાં 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ આદમી પાર્ટી ટીમનાં સભ્યોએ Gandhinagar સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી અને પિડીત પરિવારજનોને સાંત્વના આપી હતી. આ તકે આમ આદમી પાર્ટી મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે જણાવ્યું હતું કે આજે અમે મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડો. જ્વેલ વસરા, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સહિત સમગ્ર ટીમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિતોની મુલાકાતે આવ્યા હતા. આજે ગાંધીનગરનું સેક્ટર 24, 27 કે પછી અન્ય વિસ્તારમાં પાણીની અંદર ડ્રેનેજનું પાણી મિક્સ થઇ જતા ઘણા બાળકો હોસ્પિટલમાં દાખલ થયા છે. 1થી 16 વર્ષનાં 100 થી વધારે બાળકો સહિત 133 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમે આ પિડીત પરિવારને મળ્યા તેઓ ખૂબ જ દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે. પોતાના માસૂમ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી પરિવાર પોતાના ધંધા રોજગાર મૂકીને બાળકોની ચિંતામાં હોસ્પિટલમાં સમય વિતાવી રહ્યા છે. આ ફક્ત પાણીની લાઇનમાં લીકેજ નથી, પરંતુ સરકારની સિસ્ટમમાં લીકેજ છે.
AAP મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે વધુમાં જણાવ્યું હતું કે આ લોકોએ અનેક વખત રજૂઆત કરી હતી કે પાણીમાં ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે. તેમ છતાં સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ પાઇપલાઇનો નાખવામાં આવી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ્રાચાર થયો હોય તેવી પણ રજૂઆત આ લોકો દ્વારા કરવામાં આવી છે, ત્યારે ડોક્ટરોને દોડાવામાં આવ્યા, હોસ્પિટલમાં બાળકોની સારવાર પણ સારી રીતે ચાલી રહી છે, તેમાં કોઇ શંકા નથી.
પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ થયું તેની પાછળ જવાબદાર કોણ છે ? આ જવાબદાર લોકો પર ક્યારે કાર્યવાહી થશે ? આજે જો ગાંધીનગરમાં આવી પરિસ્થિતિ થતી હોય તો સમગ્ર ગુજરાતમાં શું થતું હશે તે મોટો પ્રશ્ન છે. જે એજન્સી દ્વારા પાઇપો લગાડવામાં આવી હોય, જે એજન્સીની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી હોય તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. જે લોકો સરકારની સિસ્ટમના લિકેજમાં સંડોવાયેલા છે, જેના લીધે નાના બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરિવારજનો દુ:ખની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે આ ઘટનામાં જે પણ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.





