(AAP)આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે હું મારી વેદના કહેવા આવી છું. છ વર્ષની દીકરી સ્કૂલમાં પીંખાઇ જાય છે, દુષ્કર્મ જેવી વિકૃત માનસિકતાનો શિકાર બને છે. આટલી ગંભીર ઘટના બાદ પણ ભાજપના મંત્રી સંત્રી મૌન ધારણ કરીને બેઠા છે અને તેઓ આજે પૂજ્ય ગાંધી બાપુના બતાવેલા રસ્તા પર ચાલવાની વાત કરીને રોડ રસ્તા પર સફાઈ કરી રહ્યા છે.
હું તેમને કહેવા માંગીશ કે રોડ રસ્તાની સફાઈ કરતા પહેલા વિકૃત માનસિકતાની સફાઈ કરો. તમારી લોભ લાલચની અને સત્તાની જે ખરાબ માનસિકતા છે તેની સફાઈ કરો. ખાસ કરીને જે બહેનો ભાજપના ચોલો પહેરીને મંત્રી, એમએલએ, એમપી બનીને બેઠા છે તેમને હું કહેવા માંગીશ કે તમને શરમ આવવી જોઈએ. તમે જનતાની સેવા કરવાના વચન આપ્યા હતા કે ભાજપની ભક્તિ કરવાના? તમે જે માનસિકતાને પોષણ આપો છો તે માનસિકતાને વિધાનસભામાં પહોંચતા પણ વાર નહીં લાગે. માટે મહેરબાની કરીને અવાજ ઉઠાવો અને દીકરીને ન્યાય અપાવો.