Isudan Gadhvi AAP News: રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં સુદામડામાંથી કિસાન મહાપંચાયતની શરૂ થયેલી યાત્રા હવે કચ્છ પહોંચી રહી છે. ખેડૂતોના હક માટે ખેડૂતોનો અવાજ બનીને કાર્યરત રહેતી આમ આદમી પાર્ટી દ્વારા સુદામડા બાદ જામ ખંભાળિયા, આણંદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, અમરેલીમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ આગામી 14 ડિસેમ્બર રવિવારે બપોરે 3 કલાકે કચ્છનાં ભચાઉ તાલુકામાં નવા કટારીયા રાજલ ધામ પાસે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને આમંત્રિત કરતા આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેડૂતો, ખેતમજૂરો, ભાગ્યાઓની સમસ્યાઓ મુદ્દે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયત યોજી રહી છે. જેના ભાગરૂપે આવતીકાલે 14 ડિસેમ્બર,રવિવારે કચ્છના ભચાઉના રાજલધામ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં ખેડૂતોને ખેતી, અગરિયા અને હાઈટેન્શન લાઈનોને મુદ્દે અનેક પ્રશ્નો છે. આ દરેક પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ આવી રહ્યા છે. મારા સહિત આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ આવી રહ્યું છે ત્યારે દરેક ખેડૂતોને મારી વિનંતી છે કે રાજલધામ ખાતે રવિવારે બપોરે 3 કલાકે સૌ ખેડૂત મિત્રો પધારો, આપણે સૌ સાથે મળીને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીએ.





