Isudan Gadhvi News:ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 30 વર્ષથી ભાજપ સરકાર શાસનમાં છે મતલબ લગભગ 40 વર્ષથી નીચેના કોઈ યુવાનોએ ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીનું રાજ જોયું નથી. 30 વર્ષથી ભાજપ શાસનમાં છે તેમ છતાં પણ સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ લોકો પીડામાં છે. ભાજપના નેતાઓ ફક્ત બધું ભેગું કરવામાં માને છે. ભાજપના નેતાઓ આખે આખા ગામને લૂંટીને એકલા કમાય છે. ભાજપના લોકોએ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે આજે રોડ પર નીકળીએ તો ખબર નથી પડતી કે રોડમાં ખાડા પડ્યા છે કે ખાડામાં રોડ છે. આજે ભાજપ ખેડૂતોને પુરતું બિયારણ આપતી નથી અને જો બિયારણ આપે તો નકલી બિયારણ પધરાવવામાં આવે છે. આ નકલી બિયારણ અને નકલી નકલી વસ્તુ વેચનારા લોકોને ભાજપ તરફથી સંરક્ષણ મળતું હોય છે. આજે ભાજપે સમગ્ર તંત્ર પર એવી પકડ જમાવી લીધી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતોને ભાવ નથી મળતા, પૂરતું પાણી નથી મળતું, જોઈએ એટલી વીજળી મળતી નથી, ગૌચર જમીનો ખાઈ ગયા, જેના કારણે ખેડૂતોની હાલત આજે દિવસેને દિવસે કફોડી થઈ રહી છે અને આ પરિસ્થિતિ બદલવા માટે જ હવે ગુજરાતના લોકોએ ઊભા થવું પડશે અને આમ આદમી પાર્ટી સાથે જોડાવું પડશે. આમ આદમી પાર્ટી ભાઈ ભત્રીજા વાદ રાખ્યા વગર યુવાનોને અને ઈમાનદાર લોકોને તક આપે છે કે જે લોકો ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અને ગુજરાતના લોકોની સેવા કરવા માટે તત્પર છે.

આ જનસભામાં આમ આદમી પાર્ટી(AAP)ના નેતા મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે લાખો લોકો AAPમાં જોડાઈ રહ્યા છે, તે કોઈ ફક્ત આંકડો નથી પરંતુ ભાજપની સામે જે લોકો ગુસ્સામાં છે અને આમ આદમી પાર્ટી તરફ એક ઉમ્મીદની નજરથી જોઈ રહ્યા છે આ એવા લાખો લોકો છે. આમ આદમી પાર્ટી નવા લોકોને તક આપવામાં માને છે અને લોકો ખૂબ જ ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમે ફરી એકવાર એક નવા અભિયાનને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આ ધરતી પર અન્યાય અને અત્યાચાર વધી ગયો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી પર જન્મ લીધો હતો અને આપણે એ દિવસથી જન્માષ્ટમી ઉજવીએ છીએ. તો આવનારા જન્માષ્ટમીના તહેવારના દિવસે આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ જાહેર કરવા જઈ રહી છે. જે લોકો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જે લોકોને કોઈ રાજકીય સંબંધો નથી, જે લોકો ગુજરાતમાં બદલાવ લાવવા માંગે છે, આવા તમામ પ્રકારના લોકોને અમે મોકો આપવા જઈ રહ્યા છીએ. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે લોકો ચૂંટણી લડવા માંગે છે તે લોકો માટે અમે ફોર્મ જાહેર કરીશું. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, કર્મચારીઓ, વ્યાપારીઓને હું આમ આદમી પાર્ટીની જનક્રાંતિમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. ભાજપ અને કોંગ્રેસના પણ જે નીચેના કાર્યકર્તાઓ છે તે લોકોને પણ અમે આમ આદમી પાર્ટી આમંત્રણ આપીએ છીએ. જે પણ લોકો ભાઈ ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારથી ત્રાહિત છે તે તમામ રાજકીય અને બિન રાજકીય અનુભવવાળા લોકોને અમે આમંત્રણ આપી રહ્યા છીએ.
30 વર્ષના ભાજપના કુશાસન સામે હવે લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને વધુ લાખોની સંખ્યામાં લોકો જોડાશે એનો સ્પષ્ટ મતલબ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક ઇતિહાસ રચવા જઈ રહી છે. હવે ગુજરાતની જનતા પણ અમને કહી રહી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોઈ જરૂરત નથી. વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવારને ઊભા રાખીને ભાજપને હરાવવાની જગ્યાએ આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી તે ઘટનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ આંખો ખુલી ગઈ છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે ગુજરાતના સામાન્ય લોકોને ફક્ત આમ આદમી પાર્ટીથી જ ઉમ્મીદ છે માટે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે, કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં.