Isudan Gadhvi AAP: કડદા પ્રથા અને ખેડૂતો સાથે થતાં અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા જિલ્લાના ધતુરીયા ગામ ખાતે કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિસાન ન્યાય પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત સ્થાનિક નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સભાને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જો ખેડૂત મતદાન રૂપી ઝાડુનું બટન દબાવશે તો ઇસુદાન ગઢવી મજબૂત થશે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સભાઓમાં આવતા લોકોને રોકી શકે છે, પરંતુ ખેડૂતોની એકતા અને શક્તિને કોઈ રોકી શકે નહીં. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે બોલવાની હિંમત કોઈ નથી કરતું, ત્યારે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડવા તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપમાં તમારો કોઈ સગો હોય તો પણ તે તમારો સાચો સગો નથી, પરંતુ ભાજપનો સગો છે. ખેડૂતોને મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ મળતા નથી અને આ માટે ભાજપની નીતિઓ જવાબદાર છે. જાતિ, જ્ઞાતિ અને ધર્મ ભૂલીને જો ધતુરીયાથી જામખંભાળિયા સુધી ખેડૂતો એક લાઈન બનાવી ઊભા થાય તો કોઈની તાકાત નથી કે ખેડૂતોના હકો રોકી શકે. ખેડૂતોએ પોતાની તાકાત ઓળખવાની જરૂર છે.

AAP નેતા Isudan Gadhviએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લાઠી ખાવા, જેલમાં જવા તૈયાર છે, પરંતુ ખેડૂતોની તાકાત મતમાં છે અને એ તાકાત જ બદલાવ લાવી શકે છે. આ કાર્યક્રમમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોમાંથી અંદાજે 125 જેટલા ધારાસભ્યો ખેડૂતોના મત લઈને વિધાનસભામાં પહોંચે છે, પરંતુ ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ ઉઠાવનાર વિપક્ષના માત્ર ત્રણ ધારાસભ્યો છે. ગામડાનો વિસ્તાર શહેર કરતાં ઘણો મોટો હોવા છતાં કાયદાની મર્યાદાઓના કારણે ધારાસભ્યો ખેડૂતોને મદદ કરી શકતા નથી. જ્યાં સુધી કાયદામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી ખેડૂતોને ન્યાય મળવો મુશ્કેલ છે. તેથી નવા કાયદાના ડ્રાફ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે અને ખેડૂતોના હિતમાં કાયદા બદલાવાની દરખાસ્ત વિધાનસભામાં રજૂ કરીશ. અંતમાં તેમણે ખેડૂતો અને ગ્રામજનોને અપીલ કરી હતી કે ખેડૂતો અને ગામડાના લોકોના હક માટે લડતી આમ આદમી પાર્ટીના ઝાડૂના નિશાન પર મત આપી પાર્ટીને મજબૂત બનાવે.