આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhaviએ કડીની પેટાચૂંટણીના ઉમેદવારનું નામ જાહેર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તથા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વ દ્વારા આજે કડીની પેટા ચૂંટણીના ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના યુવા અને લડાયક નેતા જગદીશ ચાવડાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ કડી સહીત સમગ્ર ગુજરાતના સર્વ સમાજના લોકો માટે અવાજ ઉઠાવ્યો છે.
જગદીશ ચાવડા હાલ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે. અમને પૂરો વિશ્વાસ છે કે સમગ્ર આમ આદમી પાર્ટી અને જગદીશ ચાવડા મજબૂતીથી કડીમાં ચૂંટણી લડશે અને ચૂંટણી જીતશે. આ ચૂંટણી ભાજપના ભ્રષ્ટાચાર અને બેરોજગાર યુવાનો પર, ખેડૂતો પર અને મહિલાઓ પર ભાજપ દ્વારા કરવામાં આવતા અત્યાચાર વિરુદ્ધમાં લડવામાં આવશે. નોકરીઓમાં કૌભાંડ થાય છે, ખેડૂતોને ભાવ નથી મળતા, મોંઘવારી ચરમસીમાએ છે, આ બધા મુદ્દાઓ પર પણ આ ચૂંટણી લડવામાં આવશે. આ તમામ ગંભીર મુદ્દાઓ પર જવાબ આપવાનો મુદ્દો એટલે કડી અને વિસાવદરની ચૂંટણી. જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કરતા અમને ખૂબ જ ખુશી થાય છે અને એમને પૂરો વિશ્વાસ છે કે જગદીશ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે.