Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મોરબીમાં થયેલા થપ્પડકાંડ મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો અને વિડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગતરોજ મોરબીમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ સભામાં જોડાયા હતા. વિસાવદરની જીત બાદ અને હાલ યોજાઇ રહેલી જનસભાઓને મળી રહેલું પ્રચંડ સમર્થનના કારણે ભાજપમાં ખૂબ જ ભયનો માહોલ ફેલાયો છે. આમ આદમી પાર્ટી બે મહિનામાં 2000 સભાઓ યોજવા જઈ રહી છે અને એની સાથે જ સમગ્ર ગુજરાતનો માહોલ બદલાઈ જશે. ગુજરાતની સાત કરોડ જનતા હવે પરિવર્તનના મૂડમાં છે એટલા માટે ભાજપ અને મુખ્યમંત્રી હવે બૌખલાઈ ગયા છે એટલા માટે મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ મારી સભામાં અમુક લોકોને મોકલીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી. આ ભાજપની અને મુખ્યમંત્રીની નિમ્ન કક્ષાની રાજનીતિનો નમૂનો છે.

હું જ્યારે પત્રકાર હતો ત્યારે ગરીબો, વંચીતો, ખેડૂતો, શોષિતો, યુવાનો અને મહિલાઓ માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ હું અવાજ ઉઠાવતો રહીશ. જો કોઈને એવું લાગતું હોય કે બે પાંચ લોકોને મારી સભામાં મોકલીને મારી સભાને ડિસ્ટર્બ કરવામાં આવશે તો ઈસુદાન ગઢવી ડરી જશે તો એ લોકોને હું સ્પષ્ટ જણાવી દેવા માગું છું કે હું પહેલા પણ કદી ડર્યો નથી અને આજે પણ ડરીશ નહીં અને ભવિષ્યમાં પણ ડરીશ નહીં. અમે વધુ મજબૂતીથી લોકો માટે અવાજ ઉઠાવીશું અને અમે લોકો તો ગોળી ખાવા માટે પણ તૈયાર છીએ.

આ મુદ્દા પર એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે જે યુવાને આવેશમાં આવીને લાફો માર્યો છે. તે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી. કોઈપણ હિંસક ઘટનાને આમ આદમી પાર્ટી ક્યારેય પણ સમર્થન આપતી નથી. આ તમામ ચાલ ભાજપની છે. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની કોઈપણ ચાલમાં ફસાતા નહીં. ગુજરાતમાં પરિવર્તન આવે નહીં તે માટે ભાજપ આ રીતની ચાલ ચાલી રહ્યું છે. જે યુવાને અમને સવાલ કર્યા એ યુવાને ગુજરાતના સવાલ કેમ પૂછ્યા નહીં?? અહીંયા પેપર ફૂટી રહ્યા છે, લોકો સામૂહિક આપઘાત કરી રહ્યા છે, ગુજરાતમાં ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, પરંતુ આવા કોઈ પણ મુદ્દા પર એ યુવાને કોઈ સવાલ કર્યો નહીં પરંતુ દિલ્હીના મુદ્દે સવાલ કર્યો એનો મતલબ સાફ છે કે એ વ્યક્તિને મુખ્યમંત્રી દ્વારા મોકલાયો હોય તેવું હોઈ શકે છે. પરંતુ અમે સ્પષ્ટ કરવા માંગીએ કે આવી કોઈ પણ બાબતથી અમે ડરીશું નહીં.